અમદાવાદ : રાજપીપળા ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ સમારોહ દરમિયાન નર્મદા જિલ્લા સહિત રાજપીપળા અને કેવડિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે આજે વૈશ્વિક ઓળખ મળી ચુકી છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અહીં આવનાર વિશ્વભરના પ્રવાસીઓને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું. આદિવાસી વિસ્તારના જાગૃત પદાધિકારીઓની સરાહના કરતા નીતિન પટેલે આદિવાસી પ્રજાજનોને ગુમરાહ કરીને તેમને ગેરમાર્ગે દોરનારા તત્વોને જડબાતોડ જવાબ આપતા વિકાસ કાર્યોની હંમેશા ટીકા કરતા તત્વો વિકાસને સાંખી નથી શકતા તેમ જણાવ્યું હતું. પટેલે આગામી થોડાક સમયમાં જ નર્મદા જિલ્લાની મુલાકાત લાખો પ્રવાસીઓ આવશે ત્યારે અહીં વિદેશી હુંડિયામણ સાથે સ્થાનિક રોજગારીના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર પ્રોજેક્ટ સમગ્ર આદિવાસી વિસ્તારની કાયાપલટ કરશે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્થાનિક જરૂરિયાતના તમામે તમામ વિકાસ કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયા છે તેમ જણાવ્યું હતું. એક ભારત-શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં અનોખુ યોગદાન આપનારા સરદાર સાહેબના પ્રયાસોની ઝાંખી કરાવતા પટેલે, ૫૯૨ દેશી રજવાડાઓને એક કરવાનું ભગીરથ કાર્ય સરદાર સાહેબે કર્યું છે તેમ ઉમેર્યું હતું.
દેશની એકતા અને અખંડીતતાને આવનારી પેઢી અને દુનિયા હજારો વર્ષ સુધી યાદ રાખે તે માટે એકતાની આ વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વિશ્વાર્પણ થઇ રહ્યું છે જે આ પ્રદેશ માટે વિકાસના નવા દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું. સ્થાનિક આદિવાસી ખેડૂતો, જમીનદારોને યોગ્ય વળતર અથવા જમીનની સામે જમીન આપીને તેમને વિકાસમાં ભાગીદાર બનાવવામાં છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આદિવાસીઓના નામે જુઠ્ઠાણા ચલાવતા તત્વોને ગુજરાત અને દેશ વિરોધી કૃત્ય કરનારાઓનું આ ષડયંત્ર છે તેમ જણાવ્યું હતું.