ઇન્ડોનેશિયા યાત્રા ભાગ ૪ – દુનિયા ઉપર પા પા પગલી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અરે! મારા યુવાન મિત્રો નારાજ થઈ ગયા? ચાલો માફ કરો, આજે તમને ગમતી વાત કરીશ. તમારે સાહસ કરવું છેને?કઈ વાંધો નહિ બાલીમાં માત્ર મંદિર અને કળા કરીગીરીજ નથી. બાલી પ્રમાણમાં નાનો અમથો ટાપુ હોવા છતાં અહી ઘણી સાહસિક પ્રવૃત્તિઓ કરી શકાય તેમ છે.આપણે ગયા અંકમાં ઉબુડ ની વાત કરી તો આજે પણ મારે ત્યાંથી જ વાતની શરૂઆત કરવી છે. મારા મગજ પર બાલીનું પ્રભુત્વ થોડું લાંબુ ચાલ્યું , ખરી વાતને? હા, તો આગળ વધીએ. જો તમને પર્વતીય ક્ષેત્રમાં સાયકલીંગનો શોખ હોય તોઆવો. ઉબુડમાં ઠેર-ઠેર ટુર કંપનીઓ આવેલી છે. જે લગભગ 30$ માં આવી ટુર ગોઠવે છે. લગભગ 40કી.મી.ના પર્વતીય ક્ષેત્રને આવરી લેવામાં આવે છે. તેમાં પર્વતની ટોચ ઉપર બ્રેકફાસ્ટ પણ આપે છે. કોફીના ખેતરો,પારમ્પરિક બાલીના ગામડાઓ, પર્વતીય ઢોળાવ અને લીલીછમ વનરાઈમાં રખડી ને અનેરો આનંદ અનુભવાય છે.

બાલીનો સૌથી સુંદર દેખાવ જોવો હોય તો ત્યાના ચોખાના ખેતરો. અહી ઉબુડમાં પર્વતોના ઢાળ ઉપર ટેરેસ ફિલ્ડ બનાવેલા છે. અને તેમાં પાણી ભરી ચોખાની ખેતી કરવામાં આવે છે. તેમાં TEGALALANG અને JATILUWIH એ બે જગ્યાઓ ખુબ પ્રખ્યાત  છે. આખા પર્વતમાં ટોચથી લઈને તળેટી સુધી ક્યારીઓ જેવા પહોળા પગથીયા જેવું કરીબધેજ ચોખાનું વાવેતર કરવામાં આવેછે. આમ આખા પર્વતો ભાતીગળ ચોખાના ખેતરોથી કલાત્મક લાગે છે.

kp.comJATILUWIH e1540898623662

પાણીના શોખીનો દરિયામાં એટલેકે ત્યાના બીચ પર તરવાનો આનંદ લઇ શકે છે. પણ જરા નવીનતાના શોખીનો માટે એક વાત, જોકેભારતમાં ખાસ પ્રચલિત નથી તેથી ઘણાને અનુભવ પણ નહિ હોય,પણ બાલી એ સર્ફિંગ માટે અતિ પ્રખ્યાત છે. તેથી લગે હાથ બાલીમાં સર્ફિંગનો અનુભવ મેળવી લેવા જેવો છે. હિન્દ મહાસાગર ના ઘોડાપુર જેવા ઉછળતા મોજાઓ અને તેની ઉપર સરકતા, ગબડતા અને મોજાની સાથે બાથ ભીડતા સર્ફર, માત્ર જોવાની પણ મજા આવે. ત્યાં વ્યવસ્થિત ક્લાસ પણ ચાલેછે. તમને ન આવડતું હોય તો શીખવાડે છે. વળી એક દિવસ ના 7 થી 10$માં સર્ફ બોર્ડ ભાડે પણ મળે છે.એકવાર તો અનુભવ લેવા જેવો છે. અરે હા, જો મઝા આવે અને આ પ્રવૃત્તિ ચાલુ રાખવી હોય તો ત્યાંથી સર્ફ બોર્ડ પણ ખરીદી લેવું.

bali surfing.jpg e1540899495843

પર્વત ખેડુઓએ નિરાશ થવાની જરૂર નથી તેમને માટે પણ અહી આકર્ષણ છે જ. માઉન્ટ BATUR ઉપરથી સૂર્યોદય જોવો એ અવર્ણનીય ઘટના છે. તો ચાલો સાંભળો. બાલીના આ સૌથી જીવિત જવાળામુખી પર્વત ને તમારે રાત્રીના જ સર કરવો પડે. આમ નાઈટ હાઈકિંગ ની મજા કરતાં કરતાં પરોઢના પર્વતની ટોચે પહોચી જવાનું. પછી બસ જે દ્રશ્ય જોવાનું છે તે આલ્હાદક અનુભવ છે. વાદળાઓની ઉપરથી પ્રગટતા બાલરવીની લાલાશ, સોનેરી કિરણો આહ!! જો તમે ટુરમાં ગયા હશો તો તમને ત્યાં બ્રેકફાસ્ટ પણ આપવામાં આવશે. જે કુમળા સૂર્યોદયની સાથે પર્વતની ટોચ પર બેસીને માણી શકશો. આમપણ આખી રાત જાગીને -ચાલીને ભુખ્યાતો થઈજ ગયા હશો ને??લગભગ ૧૦ થી ૧૨ કલાકની આખી સફર મનને પ્રફુલ્લિત કરી દેશે.

kp.comMount batur

મિત્રો આ શિવાય પણ બાલીમાં બાલી સફારી અને મરીન પાર્ક, વોટર બોમ્બ બાલી, ફાસ્ટ બોટ ટ્રાન્સફર બાલી થી ગીલી, 2 દિવસ માટે Mt. BATUR પર હાઈકિંગ, કેમ્પફાયર અને ગરમ પાણીના ઝરણાંઓમાં સ્નાનનો આનંદ પણ માણી શકાય. અરે બાલીની વાત કરું તેટલી ઓછી પણ ઈન્ડોનેશિયાના અન્ય ટાપુની પણ થોડી વાત કરવી પડશેને? તો તે વાત કરવા આપણે મળીએ છીએ આવતા રવિવારે બરાબર? તો ચાલો હાલ પુરતો વિરામ.

  • નિસ્પૃહા દેસાઇ

    kp.comNispruhaDesai e1533365837202

Share This Article