ભગવાન રામનાં પિતા દશરથને ત્રણ રાણી હતી. કૌશલ્યા, સુમિત્રા અને કૈકઈ. દશરથ રાજાનાં ચાર પુત્રો હતા, તે વિશે સૌને ખબર છે પણ દશરથ રાજાની એક પુત્રી પણ હતી તે ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે. દશરથ રાજા અને કૌશલ્યાની એક પુત્રી પણ હતી, જેનું નામ શાન્તા હતું.
શાન્તા ખૂબ જ હોનહાર અને દરેક કલા તથા કાર્યમાં નિપૂર્ણ હતી. પિતા દશરથને પણ તેના માટે ખૂબ ગૌરવ હતું.
એક દિવસ રાણી કૌશલ્યાના બહેન વર્ષિણી અને તેમનાં પતિ રોમપદ અયોધ્યા આવ્યા હતા. રાજા રોમપદ અંગદેશનાં રાજા હતા અને તેમને કોઈ સંતાન ન હતું. એક દિવસ રાણી વર્ષિણીનું ધ્યાન રાજકુમારી શાન્તા પર પડ્યું અને તેની શાલીનતા જોઈને તે બોલી ઉઠ્યા કે અમારે કોઈ સંતાન હોય તો તે કુંવરી શાન્તા જેવું જ હોય. તેમની આ વાત સાંભળીને રાજા દશરથ તેમને શાન્તાને ખોળે આપવાનું વચન આપી બેઠા અને બધા જ જાણે છે તે પ્રમાણે રઘુકુલ રીત સદા ચલી આઈ…પ્રાણ જાયે પર વચન ન જાયે. તેથી તેમણે શાન્તાને રાજા રોમપદને સોંપી દીધી. આ રીતે શાન્તા અંગદેશની રાજકુમારી બની ગઈ. સમય જતા રાજા શાન્તાનાં વિવાહ ઋષિ શ્રૃંગ સાથે કરાવવામાં આવ્યા.
શાન્તાને દત્તક આપ્યા બાદ રાજા દશરથને કોઈ સંતાન નહતું. આથી ચિંતિત થઈને રાણી કૌશલ્યા ઋષિ શ્રૃંગ પાસે જાય છે. ઋષિ શ્રૃંગ તેમને પુત્ર કામાક્ષી યજ્ઞ કરવાની સલાહ આપે છે. તેઓ ઋષિ શ્રુંગનાં આશ્રમમાં જ આ યજ્ઞ કરે છે. આ યજ્ઞનાં પ્રસાદ સ્વરૃપે તેમને ખીર મળે છે. રાણી કૌશલ્યા આ ખીર સુમિત્રા અને કૈકઈ સાથે આ ખીર વહેંચે છે. તેનાં ફળ સ્વરૃપે કૌશલ્યાને પુત્ર તરીકે રામ, સુમિત્રાને લક્ષમણ તથા શત્રુજ્ઞ અને કૈકઈને ભરત પ્રાપ્ત થાય છે. જ્યારે આ ચાર રાજકુમાર મોટા થાય છે ત્યારે તેમને શાન્તા વિશે કંઈ જ ખબર નહોતી, પરંતુ પુત્રી વિયોગમાં રોતી કૌશલ્યાને જોઈ એક દિવસ રામને જાણ થાય છે. તેથી તેઓ માતા પિતાનું શાન્તા સાથે મિલન કરાવે છે. બહેન શાન્તા પણ ખૂબ ખુશીથી ચારેય ભાઈઓને મળે છે. ત્યારબાદ ચારેય ભાઈઓ પણ મોટી બહેન શાન્તાને ખૂબ સારી રીતે રાખે છે.
વાલ્મીકી રામાયણમાં દેવી શાન્તાનો ક્યાંય ઉલ્લેખ નથી. દક્ષિણનાં પુરાણોમાં શાન્તાનાં ચરિત્રની ઘણી વાતો ટંકારાયેલી છે. ભારતનાં ઉત્તરમાં કુલુમાં પણ ઋષિ શ્રૃંગનું મંદિર છે અને તેનાં 60 કિલોમીટર દૂર દેવી શાન્તાનું મંદિર આવેલું છે.