અમદાવાદ : અમદાવાદ શહેરમાં હવે જાહેરમાં લઘુશંકા કરનાર લોકોની ખેર નથી, અમદાવાદ શહેરમાં જાહેરમાં આ પ્રકારે લઘુશંકા કરનાર તત્વો સામે અમ્યુકો તંત્રના અધિકારીઓ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી અને તેઓની પાસેથી આકરો દંડ વસૂલ કરી સબકર સમાન કાર્યવાહી કરવામાં આવી હતી. અમ્યુકો દ્વારા હવે જાહેરમાં લઘુશંકા કરનાર લોકો સામે કાર્યવાહી કરવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે અને શહેરના વિવિધ છ ઝોનમાં તે પેટ્રોલીંગ, બાજનજર રાખી આવા લોકો સામે પબ્લીક હેલ્થ બાયલોઝની જાગવાઇ અન્વયે દંડનીય કાર્યવાહી હાથ ધરશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ કેટલાક લોકો અવારનવાર જાહેરમાં લઘુશંકા કરતા હોય છે, જેને લઇ અન્ય નાગરિકો તેમ જ ખાસ કરીને તો મહિલાઓ-યુવતીઓ ક્ષોભજનક Âસ્થતિમાં મૂકાઇને શરમનો ભોગ બનતી હોય છે ત્યારે આ પ્રકારે જાહેરમાં લઘુશંકા કરતા તત્વો સામે અમ્યુકો તંત્રએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રાઇવ ચલાવી જાહેરમાં લઘુશંકા કરતાં આવા લોકોને ઝડપી લઇ સ્થળ પર જ દંડ વસૂલ કરાયો હતો. એટલું જ નહી, આવા તત્વોને હવેથી જાહેરમાં લઘુશંકા નહી કરવાની કડક તાકીદ કરાઇ હતી. તંત્રના અધિકારીઓ દ્વારા રૂ.૧૦૦ સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
દરમ્યાન અમ્યુકોના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં લઘુશંકા કરતા તત્વો સામે કાર્યવાહી કરવા અને આ દૂષણ પર રોક લગાવવાના ઇરાદાથી અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને છએ ઝોનમાં અલગ અલગ સ્થળોએ ડ્રાઇવ ચલાવશે અને આ પ્રકારે જાહેરમાં લઘુશંકા કરતા તત્વો નજરે પડશે તો તેઓની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાત સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે