અમદાવાદ : આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે. સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, બ્રેઇન એટેક, પેરાલીસિસ) એક જીવલેણ અવસ્થા છે. વિશ્વભરમાં દર છ સેકન્ડે એક વ્યક્તિનું સ્ટ્રોકનાં કારણે મૃત્યુ થાય છે. દર વર્ષે સ્ટ્રોકથી ૬૦ લાખ લોકોનાં મૃત્યુ થાય છે, જે મેલેરિયા, ટીબી અને એચઆઇવીથી થતાં કુલ મૃત્યુ કરતાં પણ વધારે છે. ડબ્લ્યુએચઓ(હુ) નાં સર્વે પ્રમાણે ભારતમાં દર વર્ષે સ્ટ્રોકનાં ૧૬ લાખ કેસો નોંધાય છે. દેશમાં રોજ ત્રણથી ચાર હજાર લોકોને સ્ટ્રોક થાય છે, જેમાંથી ૧૨ ટકા લોકોની ઉંમર ૪૦ વર્ષ કરતાં ઓછી હોય છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતીય દર્દીઓમાં બ્રેઇન સ્ટ્રોકને કારણે મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
સ્ટ્રોકના કારણે મૃત્યુ પામનારાઓનો આંક વિશ્વમાં બીજા નંબરે છે એમ શહેરની અપોલો હોસ્પિટલ્સના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો.સમીર પટેલ એમડી, ડીએમ(ન્યુરોલોજી)એ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જા બ્રેઇન સ્ટ્રોકની સારવાર તાત્કાલિક ન થાય તો તેનાથી વ્યક્તિમાં કાયમી વિકલાંગતા આવી શકે છે, અંગો કામ કરતાં બંધ થઈ જાય છે, લકવા થઈ જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, બ્રેઇન એટેક, પેરાલીસિસ) એ મગજનાં કોઈ ભાગમાં લોહીનાં પુરવઠાનાં અવરોધથી થતી ગંભીર બિમારી છે. સ્ટ્રોક મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે. ઇસ્કેમિક સ્ટ્રોક- ૮૦ ટકા કિસ્સામાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીનાં પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. જયારે હેમરેજિક સ્ટ્રોક- ૨૦ ટકા કેસમાં મગજમાં લોહી પહોંચાડતી નળી ફાટી જાય છે. જ્યારે થોડા સમય માટે મગજનો લોહીનો પુરવઠો અવરોધાય છે, ત્યાર ટીઆઇએ(ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક એટેક) કે મિની સ્ટ્રોક કહેવાય છે. ટીઆઇએને ગંભીર ચેતવણી ગણીને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ, કારણ કે, ટીઆઇએનું સ્ટ્રોકમાં રૂપાંતરણ થઈ શકે છે.
સ્ટ્રોક દરમિયાન પ્રત્યેક સેકન્ડે મગજનાં ૩૨ હજાર કોષો નાશ પામે છે અને ૨૩ કરોડ જ્ઞાનતંતુઓનું જોડાણ નાશ પામે છે. આ કારણથી સ્ટ્રોકની ઇમરજન્સી સારવાર ખૂબ જ જરૂરી છે. અપોલો હોસ્પિટલ્સના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો.સમીર પટેલ એમડી, ડીએમ(ન્યુરોલોજી)એ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટ્રોકનું સચોટ નિદાન અને સ્ટ્રોકનો પ્રકાર (ઇસ્કેમિક કે હેમરેજીક) નક્કી કરવા માટે સીટી સ્કેન અથવા એમઆરઆઇ ખૂબ જ જરૂરી છે. સુગર, ઈસીજી, ઇકો કાર્ડિયોગ્રાફી, કેરોટિડ ડોપ્લર અને લિપિડ પ્રોફાઇલ જેવા પરીક્ષણ સ્ટ્રોકનું કારણ મેળવવા માં મદદ કરે છે. તેમણે સ્ટ્રોકનાં લક્ષણો ખાસ વર્ણવતાં જણાવ્યું કે, જા ચહેરો વાંકો થાય, એક બાજુનાં હાથ કે પગમાં નબળાઈ આવવી કે ખાલી ચઢી જવી, બોલવામાં તકલીફ જેમ કે જીભ જાડી થવી, સ્પષ્ટ શબ્દો ન બોલાય, સમજવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, ચાલવામાં સંતુલન ન રહેવું, જાવામાં તકલીફ. જેમ કે, ડબલ દેખાવું, દેખાવાનું બંધ થઈ જવું, ભાન અવસ્થા ગુમાવવી, અચાનક ગંભીર માથાનો દુઃખાવો થવો તો આ સ્ટ્રોકના લક્ષણો હોઇ શકે.
સ્ટ્રોકનાં મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટિસ, હૃદયરોગ કે વાલ્વની બિમારી, હૃદયનાં અનિયમિત ધબકારા, ધુમ્રપાન, કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ, સ્થૂળતા વગેરે હોય છે. સ્ટ્રોકની ઝડપી અને ઇમરજન્સી સારવારથી મગજને થતું નુકસાન અટકાવી શકાય છે. ઇસ્કેમિક સ્ટ્રોકમાં જો સ્ટ્રોકનાં લક્ષણો શરૂ થયાનાં પહેલા સાડા ચાર કલાકમાં (ગોલ્ડન પીરિયડ) સ્ટ્રોકનું નિદાન શક્ય બને તો, લોહી પાતળું કરવાના શક્તિશાળી ઇન્જેક્શન આપી શકાય છે. આ ઇન્જેક્શન આપવાથી લોહીનો ગઠ્ઠો ઓગળવાની શક્યતા વધી જાય છે અને મોટા ભાગનાં દર્દીઓને આંશિક અથવા પૂર્ણ રાહત થઈ શકે છે. જો દર્દીનાં મગજની મોટી નસમાં બ્લોકેજ આવતું હોય, તો તેને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની પ્રક્રિયાથી દૂર કરી શકાય છે અને લોહીનો પ્રવાહ પુનઃસ્થાપિત કરી શકાય છે. આ પ્રક્રિયા સ્ટ્રોકનાં લક્ષણો શરૂ થયાનાં ૬થી ૮ કલાકમાં લાભદાયક થાય છે. સ્ટ્રોકનાં પ્રારંભિક લક્ષણોને ઓળખીને તેની ત્વરિત સારવાર કરાવવી. સ્ટ્રોક ફરીથી ન થાય તે માટે આપનાં ડોક્ટરે લખી આપેલી દવાઓ નિયમિત લેવી અને ડાક્ટરની સલાહ સિવાય ક્યારેય દવા બંધ કરવી નહીં.