નવી દિલ્હી : અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણી ટળી ગયા બાદ તમામ પક્ષોની જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. હિન્દુઓની ધીરજ ખુટી જશે તો શું થશે તેવો તેમને ભય છે તેમ નિવેદન કરીને કેન્દ્રીયમંત્રી ગિરીરાજ કિશોરે ચર્ચા જગાવી દીધી છે. ગિરીરાજ કિશોરે કહ્યું છે કે, હિન્દુઓની ધીરજ હવે ખુટી રહી છે. લાંબા સમયથી લોકો રાહ જાઈ રહ્યા છે. રામ જન્મભૂમિ ન્યાસમાં વરિષ્ઠ સભ્ય રામવિલાસ વેદાંતીએ કહ્યુ છે કે, મંદિરનું નિર્માણ ૨૦૧૯થી શરૂ થઇ જશે તેમ તેઓ માને છે.
બીજી બાજુ અયોધ્યા મામલામાં પક્ષકાર તરીકે રહેલા ઇકબાર અન્સારીનું કહેવું છે કે, હવે નિર્ણય થાય તે જરૂરી છે. કારણ કે લાંબા સમયથી મામલો ચાલી રહ્યો છે. ગિરીરાજસિંહે કહ્યું છે કે, હવે ધીરજ ખુટી રહી છે. લડાઈ ઝગડાનો અંત આવે તે જરૂરી છે. ઇકબાર અન્સારીનું કહેવું છે કે, ૭૦ વર્ષથી આ મામલો ચાલી રહ્યો છે. પુરાવા રજૂ કરી દેવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા જ નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટ પણ વહેલીતકે નિર્ણય કરે તે જરૂરી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળે તે પહેલા સંઘના નેતા ઇન્દ્રેશકુમારે કહ્યું હતું કે, જે રીતે હરમિન્દર સાહેબને બદલી શકાય નહીં. કાબાને બદલી શકાય નહીં, વેટિકનને બદલી શકાય નહીં તે જ રીતે રામ જન્મ સ્થાનને પણ બદલી શકાય તેમ નથી. કોંગ્રેસની રાજનીતિના કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ફસાયેલો છે. ભગવાન રામ પણ પોતાના ઘર માટે માનવીય અદાલતના ચુકાદાની રાહ જાઈ રહ્યા છે તે શરમજનક બાબત બની ચુકી છે. આગામી દિવસોમાં અયોધ્યા મામલે પાંચ રાજ્યોમાં ચૂંટણી વેળા આક્ષેપબાજીનો દોર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. મોદી સરકાર ઉપર પણ દબાણ વધે તેમ માનવામાં આવી રહ્યું છે. મુસ્લિમ સમુદાયના લોકો પણ આને લઇને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.