અમદાવાદ : મોરબી જીલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કોભાંડ પ્રકાશમાં આવ્યા બાદ છેલ્લા એકાદ મહિનાથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે આજે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી સ્થાનિક એ ડીવીઝન પોલીસની ટીમે હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પૂછપરછ માટે બોલાવતા સ્થાનિક રાજકારણ ફરી ગરમાયું છે. બીજીબાજુ, આ સમગ્ર કૌભાંડમાં આવનારા દિવસોમાં હજુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની અને નવી ધરપકડો થવાની શકયતાઓ પણ બળવત્તર બની છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા આ મામલે સાંસદ દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી અને બાદમાં રાજ્ય સરકારની ટીમોએ કરેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. આ ફરિયાદ બાદ નિવૃત મદદનીશ ઈજનેર સહીત કુલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. એ-ડીવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨ થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી.
જેમાં ગત મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને મોરબી લાવી પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસી ધારાસભ્યની પૂછપરછને પગલે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી ગયા હતા તો જીલ્લા એસપી વાઘેલા પણ એ ડીવીઝન પોલીસ મથકે હાજર રહ્યા હતા અને સઘન પૂછપરછ પર ધ્યાન આપ્યું હતું. જોકે ધરપકડ અંગે પોલીસ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી અને સિંચાઈ કૌભાંડમાં પૂછપરછ માટે ધારાસભ્ય સાબરીયાને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું.