અમદાવાદ: ગુજરાતમાં હાલમાં જ ગીર અને આસપાસના વિસ્તારોમાં જુદા જુદા કારણોસર ટપોટપ ૨૩ સિંહના મોત બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુજરાતની ચર્ચા જાવા મળી રહી હતી. ખતરનાક વાયરસ અને અન્ય ઈન્ફેકશનના કારણે આ સિંહના મોત થયા હતા. હવે સિંહોના મોતના આંકડામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે વર્ષ ૨૦૧૫થી લઈને ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૫૩ સિંહના મોત થઈ ચુક્યા છે જે પૈકી ૨૦ ટકા સિંહના મોત આકસ્મિક અથવા તો એક્સિડેન્ટલ થયા છે. આ પ્રકારના મોતને ટાળી શકાયા હોત. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
૫૦ સિંહના મોત માર્ગો ઉપર વાહનોની અડફેટે આવવાથી થયા છે. આ ઉપરાંત ટ્રેન અથવા તો ખુલ્લા કુવામાં પડવાથી આ સિંહના મોત થયા છે. ગુજરાત સરકાર દ્વારા પણ કબુલાત કરાઈ છે કે ૨૦૧૬-૧૭ના ગાળામાં શિકારનો પણ એક બનાવ બન્યો હતો. હાલમાં જ ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગૃહને માહિતી આપી હતી કે મહત્તમ સંખ્યામાં સિંહના મોત ૨૦૧૬-૧૭ના ગાળામાં થયા હતા. આ ગાળામાં ૯૯ સિંહના મોત થયા હતા. ઈલેકટ્રીક વાડના કારણે પણ ઘણા સિંહના મોત થયા છે.
૨૦૦૮માં આ પ્રદેશમાં રહેલા તમામ ખુલ્લા કુવાઓને લઈને પણ કેટલીક યોજના તૈયાર કરાઈ હતી અને આકÂસ્મક કુવામાં પડી જવાના બનાવોને રોકવા માટે ખુલ્લા કુવાને ઢાંકી દેવાયા હતા. આ મુદ્દામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હોવા છતાં ૧૭ હજારથી વધુ ખુલ્લા કુવાઓ રહેલા છે. જે સિંહ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગીરમાં મોતની જાળ તરીકે પણ આ ખુલ્લા કુવાઓને ગણી શકાય છે. ૨૦૧૫ અને ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ખુલ્લા કુવામાં પડી ગયા બાદ ૧૩ સિંહના મોત થયા છે જે દર્શાવે છે કે આ પ્રકારના મોતના મામલાને રોકી શકાય છે. એક્સીડેન્ટના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ૫૦ સિંહના મોત ચિંતા ઉપજાવે છે.