યુગપત્રી
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે, મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે
મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર આપણને વર્તમાનમાં રાખે છે, હસતા રાખે છે, આપણને ક્ષણનો આનંદ લેતા શીખડાવે છે. હવે જોઈએ આગળ,
આમ તો મિત્રને ભગવાન કરતા પણ ખાસ કહ્યા છે કારણકે આપણે આપણી તકલીફ,આપણી જરૂરિયાતને ભગવાન સામે રજૂ કરવી પડે છે જ્યારે મિત્ર આપણને જોઈને કહી શકે છે કે આપણને શેની જરૂર છે. મિત્ર આપણા માટે અડધી રાતનો હોંકારો હોય છે. આપણા દોસ્ત પાસે ભલે કાંઈ ના હોય પણ એનું કહેલું એક વાક્ય, ” મુંઝાતો નહીં હો !,હું બેઠો છું! જરૂર પડે ત્યાં કહેજે..! ” આ આટલું વાક્ય આપણને ઉર્જાથી ભરી દે છે. આટલા શબ્દો એ આખા મોટીવેશનલ સેમિનારથી કમ નથી. માટે આપણા લોક સાહિત્યમાં પણ કહેવાયું છે કે,
मित्र कीजिए मरद
मन दरद मीटावे
(મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે એ આપણા દર્દ મિટાવી શકે છે.)
मित्र कीजिए मरद
काम विपत्ति में आवे
(મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે આપાતકાળમાં,વિપતિમાં એ આવીને ઉભો રહેશે.)
मित्र कीजिए मरद
सत्य कहकर समजावे
(મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે એ સામી છાતીએ સત્યને સમજાવશે..)
मित्र कीजिए मरद
खुशामद कर नहीं खावे
(મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે એ તમને ખોટી હા- હજુરી કરીને કે ખુશામત કરીને ગેરમાર્ગે નહીં દોરે.)
मित्र ताहीको नाम है
लोभ कबु मन में ना लावे
(મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે એ ક્યારેય ખોટા લોભ-મોહમાં લોભશે નહીં.)
सत्य बात कवि पिंगल कहे
देह जावे पर नेह ना जावे..
(અને અંતમાં કવિ પિંગળ કહે છે કે મિત્ર બનાવવો હોય તો કોઈ મર્દ માણસને બનાવો કારણકે એનો પ્રાણ જશે તો જશે પણ એનો પ્રેમ ક્યારેય નહીં પુરો થાય,એ મિત્રતા નહીં છોડે..)
અને આ આખી વાતને લેખક એક જ અંતરામાં લઇ લે છે કે,
सुलगती धूप में छाँव के जैसा,
હા, આ માત્ર સભ્ય કહેવાતી અને સાવ સોફેસ્ટિકેટેડ બની ગયેલી અને હદથી વધારે પ્રેક્ટિકલ બની ગયેલી દુનિયાના ધોમધખતા તડકામાં એ મીઠો છાંયો બનીને ઉભો છે,આજે જ્યાં સગો દિકરો માતા પિતા સાથે રહેવા તૈયાર ના હોય એવા જમાનામાં એ આપણી સાથે આપણા સુખ અને દુઃખમાં અડીખમ ઉભો હોય છે અને માત્ર એમને એમ.ઉભો નથી રહેતો પણ
रेगिस्तान में गाँव के जैसा,
હા, એ એકલો આપણા માટે આખો મેળો બનીને આવે છે,એની વાતો,એની મસ્તી,એનું હેતુ વગરનું હેત આપણને આ ધોમધખતી દુનિયાના તાપ સામે લાગણીની શીતળ લહેરો પુરી પાડે છે
અને આવો મિત્ર શું કામ કરે છે..!? તો કે,
मन के घाव पे मरहम जैसा था वो…
બસ એ મિત્ર આપણને દુનિયાના આપેલા ઘાવ સામે Heal કરવાનું કામ કરે છે,એ મિત્ર આપણાં મન માટે મલમનું કામ કરે છે.એના શબ્દો આપણાં માટે પેઈન કિલરનું કામ કરે છે,એ આપણને હિંમતની ટેબ્લેટ આપે છે,આત્મવિશ્વાસનું ઇન્જેક્શન આપે છે અને આપણા ખભે હાથ મૂકીને,આપણો હાથ એના હાથમાં લઈને આ દુનિયાના દુખો સામે લડવા માટે ઉભા કરે છે.
માટે આવા મિત્ર ને માટે કહેવું પડે ને કે,
શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
– વિવેક મનહર ટેલર
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત