સૂરતઃ- સુરત એસ.ટી.ડેપોથી એક મહિલાનો કોલ આવ્યો કે, તેના પતિ તેને ઘરેથી છોડીને સુરત ખાતે સીટીબસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમજ ત્રણ મહિનાથી તેમને સંપર્ક કર્યો નથી. પોતે હાલમાં ગર્ભવતી છે. સુરતમાં તેની ઓફિસ કયાં આવી તેની માહિતી નથી. જેથી મદદ કરવા વિનંતી કરી. ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ટીમ ઉમરા તાત્કાલીક એસ.ટી.ડેપો પહોચી મહિલાને મળી હતી. તેની પાસે પ્રાથમિક માહિતી જાણી તેણીને સાથે લઈ પ્રથમ સીટી લીંક ડેપોમાં ગયા જયાં પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આવી કોઈ વ્યક્તિ અહી નોકરી કરતી નથી. બી.આર.ટી.એસ. ભેસ્તાન પહોચતા તેના પતિની જાણકારી મળી હતી. જેને બોલાવી તેના પત્ની સાથે મેળાપ કરાવ્યો હતો.
મહિલા પિડીત સુનિતાબેન(નામ બદલ્યું છે.) જે મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલા નજીકના ગામમાં રહેતા સુનિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેઓને બે વર્ષનું નાનુ બાળક છે. નોકરી અર્થે સુનિલ સુરત બી.આર.ટી.એસ.માં ડ્રાઈવર તરીકે જોડાયો હતો. શરૂઆતમાં રજાના દિવસે ડેડિયાપાડા જઈને પોતાની પત્ની તથા બાળક રહેતો હતો. ઘર ખર્ચની રકમ પણ આપતો હતો. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સુનિલે પોતાના ગામ જવાનું બંધ કર્યું હતું. તથા મોબાઈલ પણ બંધ કર્યો હતો. જેથી તેનો કોઈ પણ સંપર્ક થઈ શકતો ન હતો. હાલમાં સુનિતા ગર્ભવતી છે. જેથી તેણીને તથા તેના પરિવારને ચિંતા થઈ કે સુનિલ કેમ સંપર્કમાં નથી, પરંતુ સુરતમાં અન્ય કોઈ ઓળખીતા કે કોઈ વ્યકિતનો મોબાઈલ નંબર ન હતો. જેથી તેઓ મુંઝવણ અનુભવતા હતા.
તેઓને કોઈએ માહિતી આપી હતી કે, મહિલાઓને મદદ કરવા રાજય સરકાર દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઈન કાર્યરત છે. જેથી સુનિતા તેમના મમ્મી, નાનુ બાળક સાથે ડેડિયાપાડાની સુરત આવી. ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. બી.આર.ટી.એસ.ભેસ્તાન ખાતે નોકરી કરતા પતિ સુનિલ વિશેની માહિતી મેળવી તેની સાથે સંપર્ક કર્યો હતો. સુનિલે કબુલ્યુ હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી મોબાઈલ બંધ કર્યો છે. સુનિતાને કોલ કર્યો નથી અને ઘરે પણ નથી ગયો. ઘર ખર્ચ કે કોઈ મદદ પણ પહોચાડી ન હતી. વિશેષ પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શકયો ન હતો. પરંતુ અન્ય કર્મચારીઓને પુછપરછ કરતા જાણવા મળ્યું કે, કોઈ મહિલા તેને ટિફીન આપી જાય છે. રેસ્કયુ ટીમ દ્વારા કડક ભાષામાં વાત કરતા તેમણે માફી માગી હતી અને નિયમિત ઘર ખર્ચની રકમ મોકલાવશે. કોલ કરવાની ખાત્રી આપી હતી. અને હવે પછી આવી ભૂલ કરે તો પોલીસ કાર્યવાહી કરશે. સુનિતા હાલ પ્રેગનન્ટ છે તથા સુરતમાં રહેવાની સગવડ ન હોઈ જેથી ડેડિયાપાડા તેમની માતા સાથે રહેશે. અને ડીલીવરી બાદ પત્ની તથા બાળકોને સુરત લઈ આવશે તેવી ખાત્રી આપી હતી.
આમ સગર્ભા પત્નીને છોડી આવેલ પતિની સાન ઠેકાણે લાવવામાં આવી હતી. પોતાને મદદ કરવા બદલ સુનિતાએ ટીમનો આભાર માન્યો હતો.