* શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા *
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો અંતિમ અને દસમો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની દસમી મહાવિદ્યા – દેવી ભુવનેશ્વરી વિશે.
દેવી ભુવનેશ્વરી:
દેવી ભુવનેશ્વરીનું સ્વરૂપ અતિ રળિયામણું અને મનમોહક છે. દેવીનો વાન ગૌરવર્ણી છે. ચાર હાથમાં માતાજીએ પાશ, અંકુશ, વરમુદ્રા અને અભયમુદ્રા ધારણ કર્યા છે. આમ, માતાજી પદ્માસનમાં બેસેલા જણાય છે પરંતુ શક્તિસ્વરૂપા હોવાને લીધે ઘણી જગ્યાએ તેમને સિંહારૂઢ પણ દર્શાવાય છે.
પ્રાગટ્ય:
જ્યારે ત્રિદેવ-બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો પ્રાદુર્ભાવ થયો હતો ત્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ કોણ હતા અને શા માટે તેમનું પ્રાગટ્ય થયું હતું. આ સમયે તેમને નજર સામે એક ઉડતો રથ દેખાયો અને એક ગેબી આકાશવાણીએ તેમને રથ પર બેસવાનું કહ્યું. ત્યારબાદ આ રથ તેમને એક રહસ્યમય સ્થળ પર લઈ ગયો, જે અમૃતના મહાસાગર અને સિલ્વાન જંગલોથી ઘેરાયેલો રત્નોનો ટાપુ હતો. જેમ જેમ તેઓ રથમાંથી બહાર નીકળીને આગળ ગયા તેમ તેમ તેઓના શરીરમાંથી એક એક શક્તિપૂંજ નીકળ્યા, જે સ્ત્રી સ્વરૂપમાં પરિવર્તન પામ્યા. રત્નોના ટાપુની વચ્ચોવચ એક મહેલ હતો જેમાં ત્રિદેવો અને ત્રિશક્તિઓને જગતજનની જગદંબા મા ભુવનેશ્વરીના દર્શન થયા. દેવી મહાત્મય પ્રમાણે તેમનું સ્વરૂપ આવું કઈંક હતું. – તેણીનો રંગ લાલ હતો. તેની પાસે ત્રણ આંખો, ચાર હાથ, લાંબા વાંકડિયા ભૂખરા વાળ હતા અને તેઓ લાલ દાગીનામાં ઢંકાયેલા હતા. તે દેવી કમળના માળા પહેરતી હતી અને તેના શરીરને રક્તચંદનનો લેપ કરાયો હતો. તેણીએ તેના ડાબા હાથ સાથે એક પાશ અને એક અંકુશ રાખ્યો હતો, જ્યારે તેના જમણા હાથમાં અભય અને વરદ મુદ્રા દર્શાવવામાં આવ્યા હતા. તેણી ઘરેણાંથી સજ્જ થઈ હતી અને બીજના ચંદ્રમા વાળો મુગટ પહેરેલો હતો.
સ્થાનક:
ઓરિસ્સા ખાતે ભુવનેશ્વરમાં અને ગુજરાતમાં ગોંડલ ખાતે મા ભુવનેશ્વરીની શક્તિપીઠ આવેલી છે. ગોંડલ ખાતે આવેલી શક્તિપીઠમાં હાલની તારીખે માતાજીની આરતી દરમ્યાન માતાજીનું છત્ર વગર પવન કે પંખાની હવાએ હલતું રહે છે, જે માના ત્યા હોવાનું સાક્ષાત પ્રમાણ છે.
દેવી જગદંબા અને તમામ દસ મહાવિદ્યાઓ આપસૌ વાચકમિત્રોનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના. સાથે સાથે એક નાની એવી વાત રજૂ કરવા માંગીશ. જીવનમાં ક્યારેય નવરાત્રિ પૂજન, દુર્ગાપૂજા કરવા ન મળે તો કોઈ વાંધો નહિ પરંતુ એક સ્ત્રીની ઈજ્જત કરવાનું કદી પણ ન ચૂકતા પછી ભલે તે નાની બાળકી હોય, કુંવારિકા હોય, સગીરા હોય કે વિધવા હોય કારણ કે જે ક્ષણે તમે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તે ક્ષણે તમારી તમામ પૂજા-ભક્તિ-પ્રાર્થના અર્થહીન થઈ જાય છે. જય અંબે…જય જગદ્જનની….