*શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા*
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો નવમો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની નવમી મહાવિદ્યા – દેવી કમલા વિશે.
દેવી કમલા
મા કમલા એ નવમી મહાવિદ્યા છે. દેવી કમલા (કમલાત્મિકા)નો વર્ણ સુવર્ણો (સોનેરી) છે. દેવીને ચાર મોટા હાથીઓ દ્વારા સ્નાન કરવામાં આવે છે, જે તેના પર અમૃતના કળશ રેડતા હોય છે. દેવીની પાસે ચાર હાથ છે. તેઓ બે હાથમાં બે કમળ ધરાવે છે અને તેના અન્ય બે હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં રહેલા હોય છે. તેમને કમળ પર પદ્માસન (કમળ મુદ્રા) માં બેઠેલા તરીકે દર્શાવવામાં આવે છે, જે શુદ્ધતાના પ્રતીક સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
પ્રાગટ્ય
દેવી મહાશક્તિએ સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું હતું પરંતુ બ્રહ્માંડ પૂર્ણ થયું હોવા છતાં તેમનું કાર્ય હજી પણ અધૂરુ રહ્યું હતું. સંસારમાં શ્રી અને સમૃદ્ધિની ગેરહાજરીને કારણે તે અધૂરું થઈ ગયું હતું. આથી દેવીએ પોતાની જાતને દેવી કમલામાં અવતરિત કરી દીધી હતી જેથી તે વિશ્વની બધી સંપત્તિ અને સમૃદ્ધિને પ્રગટ કરી શકે. તે માટે યોગ્ય સમય આવ્યે તેણીએ મહર્ષિ ભૃગુની પુત્રી તરીકે જન્મ લીધો અને વિશ્વમાં સમૃદ્ધિનો આવિર્ભાવ કર્યો. આમ, શિવ અને વિષ્ણુ જુદા જુદા છે પરંતુ દેવીના તમામ સ્વરૂપ એકસરખા અને સમાન છે અને તેથી જ જ્યારે સમયની માંગ થઈ ત્યારે ભૃગુપુત્રી દેવી કમલાના રૂપમાં દેવી અંબિકા ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મી સ્વરૂપે લગ્ન કરે છે. એક કથા પ્રમાણે સાગરમંથનમાંથી દેવી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી અને તેઓ કમળ પર આસનસ્થ હોવાને લીધે તેમને કમલા તરીકે ઓળખવામાં આવી હતી.
સ્થાનક
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં દેવી કમલાની સિદ્ધપીઠ આવેલી છે. આ સિવાય મહારાષ્ટ્રમાં જ તુલજાપુર નજીક કર્મલા ગામે માનું સ્થાનક આવેલું છે. ગુજરાતમાં અમદાવાદમાં મણિનગર, લાલદરવાજા, સંન્યાસ આશ્રમ અને ગુરુકુળ ખાતે સુંદર મંદિરો આવેલા છે.