ગીરમાં ૨૩ સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં હાઇકોર્ટ દ્વારા નીમાયેલા કોર્ટ સહાયક દ્વારા કેટલાક અગત્યના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અને ગુજરાતના ગૌરવ સમા એશિયાટીક લાયનના જતન અને રક્ષણ પાછળ રાજય સરકાર દ્વારા વર્ષે માત્ર રૂ.૯૫ હજારનો ખર્ચ કરાય છે, જયારે તેની સામે વાઘના જતન અને રક્ષણ પાછળ રૂ.૧૫ લાખનો ખર્ચ કરાતો હોવાનો ભેદભાવ તો હોવાનો ભેદભાવ દાખવાતો હોવાનું અદાલતના ધ્યાન પર મૂકાયું હતું. જેને પગલે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પણ આ મામલે જરૂરી સૂચના મેળવી આગામી મુદતે અદાલતને જાણ કરવા નિર્દેશ કર્યો હતો.
હાઇકોર્ટે આ કેસમાં રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ પણ કરી હતી કે, ગીરમાં સિંહોના જતન અને રક્ષણ મામલે અદાલત ગંભીર છે, તેથી સરકાર સહિતના સત્તાવાળાઓએ તે બાબતે સજાગ રહેવું. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બુધવારે રાખી હતી. ગીરમાં ૨૩ સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટમાં આજે કોર્ટ સહાયક તરફથી અગત્યના સૂચનો કરતાં જણાવાયું હતું કે, ગીર અને તેની આસપાસના ક્ષેત્રોમાં સિંહોના જતન અને રક્ષણનો મામલો ઘણો ગંભીર અને ચિંતાજનક બન્યો છે કારણ કે, આ વિસ્તારમાં ખુલ્લા કૂવાઓ, વીજકરંટવાળી તારની ફેન્સીંગ સહિતના ઘણા પરિબળો છે, જેનાથી સિંહોનું જીવન અને અસ્તિત્વ જાખમમાં મૂકાય છે.
આ સંજાગોમાં સમગ્ર ગીર અને તેની આસપાસના પંથકમાં વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે. જા કોઇ વીજકરંટની ફેન્સીંગ હોય તો વનવિભાગ અને પશ્ચિમ ગુજરાત વીજકંપની લિ. તેનો પણ સર્વે કરી તે ત્રણથી છ મહિના માટે દૂર કરાવે. ગીરમાં સિંહોમાં હાલ જે વાયરસનો હુમલો થયો છે અને તેઓની સારવાર માટે અમેરિકાથી જે વેકિસન મંગાવાઇ છે તે તમામ સિંહોને આપવામાં આવે., આ રસીમાંથી કોઇપણ સિંહને બાકાત ના રખાય.
સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અને ગુજરાતના ગૌરવ સમા એશિયાટીક લાયનના જતન અને રક્ષણ પાછળ રાજય સરકાર દ્વારા રૂ.૯૫ હજારનો ખર્ચ કરાય છે, જયારે તેની સામે વાઘના જતન અને રક્ષણ પાછળ રૂ.૧૫ લાખનો ખર્ચ કરાતો હોવાનો ભેદભાવ દાખવાઇ રહ્યો હોવાની હકીકત હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી, જેથી હાઇકોર્ટે આ મામલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. દરમ્યાન રાજય સરકાર તરફથી બચાવ રજૂ કરાયો હતો કે, સરકાર દ્વારા ગીર અને તેની આસપાસના ક્ષેત્રમાં સિંહોના જતન અને રક્ષણ માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે અને તે મુજબ કામગીરી હાથ ધરાઇ રહી છે. સિંહોને વાયરસથી રક્ષણ માટે અમેરિકાથી જે વેકિસન મંગાવાઇ હતી તે પણ હાલ અપાઇ રહી છે અને સરકાર સિંહોના રક્ષણ અને જતન માટેના તમામ પગલાંઓ લઇ રહી છે.