ઓછાબોલી માધવી
શાન્તાગૌરીને ચાર દીકરીઓ હતી. ચારે ય રૂપના અને ગુણના ભંડારથી ભરેલી હતી. ચારે ય પરણાવેલ હતી અને સાસરે સુખથી રહેતી હતી . ચારે ય જમાઈ સરસ સ્વભાવના અને સારું કમાતા હતા. શાન્તા ગૌરીને એકેય ય દીકરો ન હતો, પણ આ દીકરીઓ એમને દીકરાની કમી લાગવા દેતી જ નહતી. વળી ચારે ય દીકરીઓ અમદાવાદમાં જ રહેતી હતી ને એમાં ય બે દીકરીઓનાં ઘર તો શાન્તા ગૌરીની સોસાયટી થી બે ત્રણ કિલો મીટરના અંતરે જ હતાં. જ્યારે પણ કશું ક બજારનું કે દવાખાનાનું કામ હોય તો ગમે તે એક દીકરી કે જમાઈ અથવાતો એમનાં સંતાનોસેવા માટે તૈયાર જ રહેતાં
વાર તહેવારે આ દીકરીઓ મમ્મી પપ્પા ને મળવા પણ આવતી. રસોઇમાં જરૂરી હોય તેવી મદદ પણ કરતી. આમાં મોટી ત્રણ દીકરીઓ થોડી બોલકી અને વાચાળ સ્વભાવની હોવાથી મમ્મી સાથે મુક્ત મને વાતો કરતી જ્યારે ચોથી નાની દીકરી માધવી ખાસ બહુ વાતો ન કરતી. આને લીધે શાન્તાગૌરીને ઘણીવાર મનમાં એવો વિચાર પણ આવી જતો કે શું એ કદાચ કંઇ તકલીફમાં તો નહિ હોય ? મોટી ત્રણ બહેનો કરતાં એના સસરા તેમ જ પતિ વગેરે આર્થિક રીતે થોડા ઉતરતા તો હતા જ પણ તો ય કંઇ ચિંતા થાય એવું કશું બહારથી તો નહોતું લાગતું. છતાં શાન્તા ગૌરીનો માનો જીવને !!! એટલે અકળાયા કરે !બીજી બધી દીકરીઓહસતી બોલતી આવે ને જાય પણ માધવી શું કામ એમના જેટલી ખુશ નથી જણાતી એની એમને ચિંતા થયા જ કરતી.
માધવીનો પતિ પ્રફુલ્લ પાછો મળતાવડા સ્વભાવનો હતો, છતાં સાસુએ જમાઈ સાથેની વાત ચીતમાં અમુક નિયમ જાળવવા જપડે ,એટલે શાન્તા ગૌરીને સતત થતું કે માધવી થોડા દિવસ એમના ભેગું રહેવા આવે તો ધીમે ધીમે એની વ્યથા- દુઃખ દર્દ બધુ જાણી શકાય, અને એને સલાહ સૂચન કે મદદ પણ થઇ શકે. એવામાં કુદરતી રીતે એવું બન્યુ કે તેના પતિ પ્રફુલ્લ ને પંદરેક દહાડા કંપનીના કામે બીજાં રાજ્યમાં ફરજિયાત પ્રવાસે જવાનું થયું. શાન્તાગૌરીએ તક ઝડપીને માધવીને અઠવાડિયું તેમના ઘરે રહેવા જ બોલાવી દીધી. એના દીકરા દીકરીને તો બા દાદાના ઘરેથી પણ સ્કૂલમાં જવાનું અનુકૂળ આવે તેમ હતું.
શાન્તાગૌરીએ માધવીના ઓછાબોલા સ્વભાવનું રહસ્ય-મૂળ શોધવા પ્રયત્નો કર્યા. માધવીને પોતાના સમ આપીને તેને કંઇ તકલીફ હૌ તો કહી દેવા ભારપૂર્વક જણાવ્યું. માધવી મમ્મીની ચિંતા,પ્રશ્નો વગેરેથી પ્રથમ તો મૂંઝાઇ ગઇ પણ પછી મમ્મીને સમજાવતી હોય એમ બોલી,
“ મમ્મીરે મમ્મી ! તું તારી આ ચોથી દીકરીને ઓળખી શકી જ નથી હોં…. મારે નથી કંઇ ચિંતા કે નથી કંઇ તકલીફ… હતી ત્યારે હતી… અને જો, મારી તકલીફ કે ચિંતા જાણીને પણ તું એમાં મને શું કરી શકવાની હતી ? તું મને આશ્વાસનના બે શબ્દો કહીને મન મજબૂત કરવા અને બધું વેઠી લેવા જ સમજાવવાની હતી ને ? એના કરતાં તો એવું બધું તને કશું કહ્યા વગર જ મેં મારી જાતે જ વેઠી લીધું છે એમાં શું ખોટું કર્યું બોલ ? મારા સસરા બહારથી મોભાદાર દેખાતા હતા પણ અંદરથી તો એ દેવાદાર હતા. વળી તારા જમાઇને પણ ધંધામાં એમના ભાગીદારે ગોટાળો કરીને રૂપિયા પંદર લાખ ડૂબાડી આપેલા ….પણ હું ને તારા જમાઈ જરા ય હિંમત હાર્યા નહિ, મેં મારા થોડા દાગીના પણ વેચી કાઢેલા પણ એનો કોઇને હરફ પણ આવવા દીધો નથી… આ તો આજે તેં બહુ રઘવા કર્યો એટલે તને કહ્યું… બાકી મેં કે તારા જમાઈએ કદી ય તમને કે પપ્પાને આની ખબર પડવા દીધી છે બોલ ? અને જો હવે તો બધું સરસ થઇ ગયું છે, ક્યાંય કશું કોઇનું રૂપિયાનું દેવું બાકી નથી હોં… ને મારા નવા દાગીના પણ બનાવી દેવડાવ્યા છે. એટલે હવે મને કંઇ જ તકલીફ નથી.. તારે મારી જરા ય ચિંતા કરવી નહિ હોં.. “
માધવીની વાત સાંભળી શાન્તા ગૌરીને થયું
“ મારી દીકરી બહુ મજબૂત કહેવાય, આટલું બધુ દુઃખ પડ્યું પણ એણે મને એની માને પણ ન જણાવ્યું… ! બહુ કહેવાય..! એમની આંખો સહેજ ભીની થઇ , પણ પછી હવે બધું સારું થઇ ગયું છે એ જાણી તેમણે સંતોષનો ઉંડો શ્વાસ લીધો… એ ક્યાંય સુધી માધવીનો હાથ એમના હાથમાં લઇ પંપાળતાં રહ્યાં …
અનંત પટેલ