અલ્હાબાદ : કુંભની તૈયારીઓને ગતિ આપવા માટેની જવાબદારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે સંભાળી રહ્યા છે. આના ભાગરુપે યોગી બે દિવસ સુધી અલ્હાબાદમાં રહીને વિકાસ કામનું નિરીક્ષણ કરી ચુક્યા છે. સંતો સાથે વાતચીત પણ કરી ચુક્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કુંભ સાથે જાડાયેલા વિકાસ કામોને પૂર્ણ કરવા માટે ૩૦મી નવેમ્બરની ડેડલાઈન નક્કી કરી છે. એમ માનવામાં આવે છે કે, આશરે ૧૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી ૪૪૩ કાર્યોને પૂર્ણ કરવા માટે જંગી રકમ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫૦૦૦ કરોડના કામોનું લોકાર્પણ કરશે. ડિસેમ્બરથી પહેલા મોદી આ તમામ કામોનું લોકાર્પણ પણ કરશે. અલ્હાબાદમાં મિડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, કુંભ મેળાને લઇને મોદી પોતે પણ આશાવાદી છે. કુંભ મેળાને દેશ અને દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળા તરીકે ગણવામાં આવે છે. તેમણે કહ્યું છે કે, કોઇપણ કમી રાખવા તેઓ ઇચ્છતા નથી.
કુંભ મેળામાં સ્વચ્છતા, સમરસતા અને ભારતની સમૃદ્ધિના સંદેશ સમગ્ર દુનિયામાં ફેલાવવાના પ્રયાસ કરાશે. પહેલા અહીં વિકાસ કામોને પૂર્ણ કરવા માટેની મહેતલ ૧૫મી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ આને હવે વધારીને ૩૦મી નવેમ્બર કરી દેવામાં આવી છે. યોગીએ દાવો કર્યો હતો કે, કુંભ સાથે જાડાયેલા તમામ સ્થાયી નિર્માણ કામો ૩૦મી નવેમ્બર સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. પ્રાચીન વેણીમાધવ મંદિર, ભારદ્વાજ આશ્રમ, સરસ્વતી કુપમાં લોકોની પૂજા અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગીએ કહ્યું છે કે, પ્રયાગરાજની પરંપરા મુજબ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.