અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નવરાત્રિ ઉત્સવ દરમ્યાન વિવિધ રાસ-ગરબાના સ્થળો, પાર્ટી અને કલબો સહિતના સ્થળોએ ઉભા કરાયેલા ફુડસ્ટોલ પર નાગરિકોને અપાતાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા વિવિધ સ્થળોએથી વિભિન્ન ખાદ્યપદાર્થોના નમૂના લેવાઇ રહ્યા છે. જે અંતર્ગત ગઇકાલે રાત્રે અમ્યુકો તંત્ર દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ સહિત શહેરની જાણીતી કલબોના ફૂડ સ્ટોલ પર દરોડા પડાયા હતા.
અમ્યુકો હેલ્થ વિભાગના અધિકારીઓ સાથેની ટીમ દ્વારા ગઇકાલે રાતે તંત્ર જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરાંત રાજપથ કલબ, કર્ણાવતી કલબ અને કાંકરિયાના ગોકુલ રાસ ગરબાના સ્થળોએ જુદા જુદા ફૂડ સ્ટોલમાંથી પાણીપૂરીનું પાણી, કોપરા ચટણી, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ભાજીપાંઉની ભાજી, કોલ્ડ કોફી, સમોસાની લાલ ચટણી અને લીલી ચટણી સહિતના અલગ અલગ પ્રકારના ખાદ્યપદાર્થના કુલ ૧પ નમૂના લેવાયા હતા. જેને પગલે ફુડસ્ટોલધારકો અને આયોજકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિને ધ્યાનમાં રાખી હજુ આ પ્રકારના ફુડ સ્ટોલ અને અન્ય સ્થળોએ નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આરોગ્ય વિભાગે ઉપરોકત સ્થળોએથી લીધેલા તમામ નમૂનાઓને નવરંગપુરા સ્થિત મ્યુનિસિપલ લેબોરેટરીમાં ભેળસેળની ચકાસણી કરવા માટે મોકલી દેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમ્યુકો તંત્રના અધિકારીઓ દ્વારા ગત બુધવારે પણ શહેરમાં ધમધમતા મીઠાઇ અને ફરસાણના એકમો પર દરોડા પડાયા હતા. તંત્રે રામોલમાં જય આશાપુરા નાસ્તા સેન્ટર, વાસણામાં ન્યુ જૈન ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, બહેરામપુરામાં શ્રીરામ ચવાણા માર્ટ, નરોડામાં ભેરુનાથ ચવાણા, દૂધેશ્વરમાં રામદેવ ટ્રેડર્સ, ઓઢવમાં ગામમાં મુરલી સ્વીટ એન્ડ ફરસાણ, દિલ્હી દરવાજા બહાર જૈન ચવાણા માર્ટ, કુબેરનગરમાં શ્રી ભેરુનાથ નમકીન, નારણપુરામાં આશાપુરી ફરસાણ હાઉસ, અમરાઇવાડીમાં ધનલક્ષ્મી ચવાણા ભંડાર, બહેરામપુરામાં વાસુદેવ ગૃહ ઉદ્યોગ, બારેજામાં લક્ષ્મી ચવાણા માર્ટ અને શિવશક્તિ ચવાણા માર્ટ, વસ્ત્રાલમાં આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ઓઢવમાં આંબેશ્વર સ્વીટ માર્ટ અને રામોલમાં બાબા રામદેવ સ્વીટ એન્ડ ડેરીમાંથી પામોલીન તેલ, ફાફડા, જલેબી, બેસન, ફરસીપૂરી, પાપડી, નાયલોન સેવ, શક્કરપારા, બેસન ફાઇનના વિવિધ નમૂના લઇને મ્યુનિસિપલ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિના સુધીમાં ચાલુ વર્ષમાં વિભિન્ન ખાદ્યપદાર્થના કુલ ૧૬૮૪ નમૂના લેવાયા છે, જે પૈકી ૧૪૯ નમૂના અપ્રમાણિત જાહેર કરાયા છે. અપ્રમાણિત અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ કે નમૂનાના કિસ્સામાં હવે અમ્યુકો તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવરાત્રિ ઉત્સવ દરમ્યાન પણ અમ્યુકો તંત્રના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રકારે વિવિધ ફુડ સ્ટોલ પરથી નમૂનાઓ લઇ તેના પરીક્ષણ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.