આપણે દુર પૂર્વના દેશોમાં 878 ટાપુ સમૂહ વાળો દેશ મલેશિયા ફરી વળ્યા? પણ આજે હું તમને 17500 ટાપુ સમુહથી બનેલા દેશની વાત કરવાની છું. અધધધ થઇ ગયુંને? હા મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્ડોનેશિયાની નામતો તમે સાંભળ્યું જ હશે પણ આ દેશ આટલો વિશાળ ટાપુ સમૂહ ધરાવે છે તેની કદાચ ખબર નહિ હોય. જોકે તે બધાજ ટાપુઓ ઉપર માનવ વસાહત નથી. માત્ર 922 ટાપુઓ ઉપર જ માનવ વસાહત છે. સ્વાભાવિક છે કે જે દેશ વિશ્વની ચોથા નંબરની વસ્તી ધરાવતો હોય, સહજ છે કે ખુબ બહોળી વસ્તી ધરાવતો આ દેશ અતિ વૈવિધ્ય પણ ધરાવે છે. માત્ર લોકોમાં જ નહિ પણ વાતાવરણ, હવામાન, પ્રાણી સૃષ્ટિ, જળચર સૃષ્ટિ,ભૌગોલિક રચના, ખેતી પેદાશ, ખનીજ સંપત્તિ, ખાન-પાન તમામ સ્તરે વૈવિધ્ય જોવા મળે છે. અને આ જ તેની ખૂબી છે.
હિન્દ મહાસાગરથી લઈને પેસેફિક સુધી ફેલાયેલા આ ટાપુઓના દેશમાં જાવા, સુમાત્ર, બોર્નીઓ એ કદાચ સૌથી મોટા ટાપુઓ છે. પણ ત્યાં કેટલાક નાના ટાપુઓ પણ જોવા જેવા છે. જેમાં મને અતિ પ્રિય છે તે ‘બાલી’. તમે પણ તેનું નામ સાંભળ્યુંજ હશે. તો ચાલો આજે આપણે વાત કરીએ બાલી ની. અરે હા અન્ય દેશોની જેમજ અહી આવવા માટે પણ VISA મેળવી લેવાનું ભૂલતા નહિ. જોકે હવે તો તમે પરદેશમાં દાખલ થવાની રીતથી વાકેફ થઇ જ ગયા છો. તેથી દરેક વખતે હું તમને નહી કહુ સિવાય કે કોઈ દેશની કઈ ખાસ પદ્ધતિ હોય.
તો ચાલો બાલી… ઇન્ડોનેશિયાનો સૌથી પ્રખ્યાત ટાપુ અને પ્રવાસીઓનું માનીતું સ્થળ એટલે બાલી. આખા વિશ્વમાં બાલી એટલે પ્રવાસીઓ માટે જાણીતું ને માનીતું સ્થાન છે. માટે જ તે હમેશા પ્રવાસીઓથી ઉભરાતું રહે છે. બાલી ને દેવોનો ટાપુ પણ કહેવામાં આવે છે. ત્યાની વૈવિધ્ય પૂર્ણ ભૌગોલિક રચના અને હિંદુ સંસ્કૃતિનો સમન્વય વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. આખા વર્ષ દરમ્યાન અહી હવામાન 32 ડીગ્રી જેટલું રહે છે તેથીતમારે ગરમ કપડાં કે ભારે જાડા જીન્સ, શુઝ, જેકેટ લઇ જવાની જરુરજ નથી, પણ સ્વીમ સુટ ભૂલતા નહિ.આમ તમે ઓછા સમાન સાથે મુસાફરી કરી શકો. મે થી ઓગસ્ટ સુધીનો સમય આદર્શ છે પછી થોડો વરસાદ શરુ થઈ જાય છે. બાલીના બીચ બહુ પારદર્શી નથી તેથી સ્નોર્ક્લીન્ગ માટે યોગ્ય નથી પણ ત્યાના મોજાઓ તમને સર્ફિંગ માટે આમંત્રે છે. ત્યાં કુતા બીચ ઉપર ઘણા લોકો સર્ફિંગ શીખવા આવે છે. અને પ્રોફેશનલી સર્ફિંગના ક્લાસ ચાલે છે.
આખા બાલીમાં તહેવારો અને ખાસ પ્રકારના રીત-રીવાજો અમને ઠેર-ઠેર જોવા મળે છે. હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ કે નાની દુકાનોની બહાર પણ તમને પૂજા ના સ્થાનકો જોવા મળે છે.મોટાભાગે હિંદુ ધર્મને માનનારી આપ્રજા ભારતીય હિંદુ પરમ્પરા કરતાં જુદી પડે છે. અહી મંદિર કે દેરીઓમાં ક્યાય ભગવાનની મૂર્તિ જોવા નથી મળતી. તે સ્થાન ખાલી હોય છે. મેં જયારે નવાઈથી પૂછ્યું તો ઉત્તર સરસ મળ્યો, કે દરેક ભક્ત પોતાની શ્રદ્ધા પ્રમાણેના દેવની કલ્પના કરી લે. બસ તેજ તેમના ભગવાન. એકજ મંદિરમાં દર્શન કરનારા ભક્તો તે જ ક્ષણે જુદા-જુદા ભગવાનની આરાધના કરતાં હોય. વાહ કેટલું સરસ. નાના બાળકથી માંડીને વૃદ્ધ દરેક ખાસ પોશાક પહેરીને મંદિરમાં જઈ શકે છે. પ્રવાસીઓ માટે બહાર મંડપમાં તે પોષક ઉપલબ્ધ હોય છે જે તમારે મંદિરમાંથી બહાર આવીને પાછો આપી દેવાનો. આ પોશાકને બાલી ભાષામાં સરોંગ અને સાશ કહેવામાં આવે છે. હવે વાત કરીએ PURA BESAKIH મંદિરની.
પૂર્વ બાલીમાં આ મંદિર આવેલ છે. જે હિન્દુધર્મનું સૌથી મોટું અને પવિત્ર મંદિર છે.ત્યાં ૨૩ જેટલા જુદા-જુદા પણ એકબીજા થી સંકળાયેલા મંદિરો છે. મંદિરઅને તેનું પરિસર છ જુદાજુદા લેવલમાં બાંધવામાં આવેલ છે. સીધા પગથીયાની સીડી અને તેની બંને બાજુ આવેલ સુંદર ફૂલોની ક્યારી, ભવ્ય મુખ્ય દરવાજો અને બન્ને બાજુએ આવેલી છત્રીઓ આજથી 2000 વર્ષ જૂના સ્થાપત્યનો સુંદર ચિતાર આપે છે. બાલીની વાતો એમ જલદી પૂરી થાય તેવી નથી, હજુ તો શરૂઆત છે. એટલે હાલ પુરતો વિરામ, આવતા અંકમાં આજ વાતને આગળ વધારીશું.