શ્રી શક્તિસૂત્રમ્ – આદિશક્તિ અંબિકાના અવતરણની ગાથા
સર્વે માઈભક્તોને આદિત શાહના જય અંબે…
વાચક મિત્રો, આજે નવરાત્રિનો ચોથો દિવસ. આજે આપણે જાણીશું જગદંબાની ચોથી મહાવિદ્યા – ષોડશી. આ સ્વરૂપ એટલું પ્રખ્યાત નથી પરંતુ તંત્રશાસ્ત્રમાં તેનું અનેરું મહત્વ છે.
દેવી ષોડશી
ષોડશી માહેશ્વરી શક્તિની સૌથી મનોહર વિગ્રહવાળી સિદ્ધદેવી છે. આ દેવીના મંત્રમાં સોળ અક્ષર હોવાથી તેને ષોડશી કહે છે. તેમને ચાર હાથ અને ત્રણ નેત્રો છે. આ દેવી શાંત મુદ્રામાં સૂતેલા સદાશીવ પર કમળના આસન પર આસિન છે. તેમના ચાર હાથમાં ક્રમશ: પાશ, અંકુશ, ધનુષ અને તીર સુશોભિત છે. વરદાન આપવા માટે સદા-સર્વદા તત્પર ભગવતીનું શ્રીવિગ્રહ સૌમ્ય અને હૃદય દયાથી શુદ્ધ છે.
જે તેઓનો આશ્રય મેળવે છે, તેઓમાં અને ઈશ્વરમાં કોઈ ભેદભાવ રહેતો નથી. ખરેખર: તેમનો મહિમા અમૂર્ત છે. સંસારનાં સર્વ માતૃ-તંત્ર તેમની આરાધના કરે છે. વેદ પણ તેમના વર્ણનમાં અસમર્થ છે. તંત્ર શાસ્ત્રમાં ષોડશી દેવી પંચવક્ત્ર એટલે કે પાંચ મુખો વાળી છે. ચાર દિશાઓમાં ચાર અને એક ઉપર તરફ મુખ મુખ થાય છે તે પાંચવકત્ર કહેવાય છે. દેવીના પાંચ મુખ તત્પુરુષ, સદ્યોજાત, વામદેવ, અઘોર અને ઇશાન – એ સદાશીવના પાંચ સ્વરૂપના ચિહ્નો છે. પાંચની દિશાઓના રંગ ક્રમશ: લીલો, રાતો, ધૂમ્રવર્ણી, નીલ અને પિત્ત છે. દેવીના દસ હાથમાં ક્રમશ: અભય, ટંક, શૂલ, વજ્ર, પાશ, ખડગ, અંકુશ, ઘંટા, નાગ અને અગ્નિ છે. આ સ્વરૂપમાં દેવી સોળે કળાઓથી સંપૂર્ણરૂપથી વિકસિત છે, એટલે જ તેમને ષોડશી કહેવાય છે.
એકવાર પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યું – ભગવાન! તમારા દ્વારા પ્રકાશિત તંત્રશાસ્ત્રની ઉપહારથી જીવોની આધિ વ્યાધિ ઉપાધિ-રોગ, શૉક-સંતાપ, દીનતા-ચિંતાથી દૂર થઈ જાય, પણ ગર્ભવાસ અને મૃત્યુની અસહાય દુઃખની નિવૃત્તિ નહિ થઈ શકે. કૃપા કરીને આ દુઃખથી બચવા અને મુક્તિ પદ પ્રાપ્ત કરવા કોઈ ઉપાય જણાવો. પરમ કલ્યાણમયી પરામ્બિકાની વિનંતી પર ભગવાન શંકરે ષોડશી દેવીને પ્રગટ કર્યા. શ્રી શંકરાચાર્યએ પણ શ્રીવિદ્યાના રૂપમાં આ જ ષોડશી દેવીની ઉપાસના હતી. તેથી આજે પણ બધા શંકરપિઠો માં ભગવતી ષોડશી રાજરાજશ્વરીની શ્રીયંત્ર સ્વરૂપમાં આરાધના ચાલી રહી છે. ઋષિ દુર્વાસા માંના પરમ આરાધક હતા. તેઓની ઉપાસના શ્રીચક્રમાં થાય છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રીને કોઈ ભય સતાવતો હોય તો કે મેલી વિદ્યાનો આતંક હોય તો સોળ ગાંઠ મારેલો લાલ દોરો જો તે પોતાના ગર્ભ પર પહેરે તો કોઈ પણ આસુરી શક્તિ તેને કે તેના બાળકને સ્પર્શી શકતી નથી.