આગામી દાયકા અથવા વધુ સમયમાં ની આર્થરાઈટીસ ભારતમાં ચોથી સૌથી સામાન્ય શારીરિક વિકલાંગતા તરીકે ઊભરી આવશે
બીમારીઓ પ્રત્યે ભારતીયોની આનુવંશિક માનસિક્તા અને ઘૂંટણના વધુ પડતા ઉપયોગની સાંસ્કૃતિક કાર્યપદ્ધતિ સહિતના કારણો ઘૂંટણના સંધિવાના વધતા કેસો માટે જવાબદાર
અમદાવાદ: દેશમાં અંદાજે 15 કરોડથી વધુ નાગરિકો ઘૂંટણની સમસ્યાથી પીડિત છે, જેમાંથી 4 કરોડથી વધુ લોકોને ટોટલ ની રીપ્લેસમેન્ટની જરૂર છે. આથી સમાજ અને દેશ પર જંગી પ્રમાણમાં સ્વાસ્થ્ય બોજ આવી રહ્યો છે. તેનાથી વિપરિત ચીનમાં 6.5 કરોડ જેટલા લોકો ઘૂંટણની સમસ્યાનો સામનો કરે છે. આ આંકડો ભારત કરતાં અડધાથી પણ ઓછો છે. વધુ ખરાબ તો એ છે કે ભારતીયોમાં ઘૂંટણના સંધિવાની ઘટનાઓ પાશ્ચાત્ય રાષ્ટ્રો કરતાં 15 ગણી વધુ જોવા મળે છે. ઘૂંટણના સંધિવા પ્રત્યે ભારતીયોની આનુવંશિક માનસિક્તા અને ઘૂંટણના સાંધાના વધુ પડતા ઉપયોગની ભારતીયોની સાંસ્કૃતિક જીવનપદ્ધતિ આ માટે કારણભૂત છે. વર્લ્ડ આર્થરાઈટીસ ડેના રોજ અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલ ખાતે યોજાયેલી વર્કશોપમાં સિનિયર ઓર્થોપેડિક સર્જન્સ દ્વારા આ બાબત જણાવવામાં આવી હતી.
વર્કશોપ અંગે વાત કરતાં શેલ્બી હોસ્પિટલ્સના સ્થાપક ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ આઈ. શાહે જણાવ્યું હતું કે, ‘છેલ્લા 20 વર્ષમાં ભારતમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટમાં અસાધારણ ટેક્નોલોજીકલ પ્રગતિ થઈ છે, તેમ છતાં હજી પણ વિપુલ માગ જોવા મળી રહી છે. દેશમાં સંધિવાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારતીય વસતીમાં ઘૂંટણના સંધિવાનું પ્રમાણ પાશ્ચાત્ય દેશો કરતાં 15 ગણુ વધુ હોવાનું માનવામાં આવે છે. અમેરિકાની 30 કરોડની વસતીમાં પ્રત્યેક વર્ષે અંદાજે 7 લાખ ની રીપ્લેસમેન્ટ સર્જરી થાય છે, પરંતુ ભારતમાં આ આંકડો માત્ર 1,50,000 છે. જોકે, વર્ષ 1994માં ભારતમાં માત્ર 350 ની સર્જરી થતી હતી ત્યારે ત્યાંથી આ આંકડામાં વૃદ્ધિ અસાધારણ કહી શકાય. પરંતુ દેશમાં માગ પૂરી ન થતી હોય તેવી સર્જરીનો આંકડો પ્રત્યેક વર્ષે અંદાજે 1 કરોડ ની રીપ્લેસમેન્ટ જેટલો હશે. આ બાબત ઘૂંટણના સંધિવા તરફ ભારતીયોનું વલણ દર્શાવે છે. આની સરખામણીમાં ભારતમાં વર્ષ 2022 સુધીમાં પ્રત્યેક વર્ષે 10 લાખ ની રીપ્લેસમેન્ટ થતા જોવા મળવાની સંભાવના છે. સારા સમાચાર એ છે કે ની રીપ્લેસમેન્ટ સર્જરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી વધુ ને વધુ સરળ બની રહી છે. આજે, તેમાં ચેપનો દર અને હોસ્પિટલમાં રોકાણનો સમયગાળો બહુ ઓછા થઈ ગયા છે.’
અમદાવાદમાં એસજી શેલ્બી હોસ્પિટલમાં રેમ્યુટોલોજીના કન્સલટન્ટ ડૉ. અમૃતા સનપે જણાવ્યું હતું કે, ‘ભારતમાં અંદાજે 90 લાખ લોકો (ભારતીય વસતીના 0.75%) રેમ્યુટોઈડ આર્થરાઈટીસથી પીડિત છે. આ એક ઓટો-ઈમ્યુન બીમારી (રોગ પ્રતિકારક બીમારી) છે, જે પુરુષો કરતાં મહિલાઓને 3-4 ગણી વધુ જોવા મળે છે અને સામાન્ય રીતે 20થી 40 વર્ષની વય જૂથની મહિલાઓ પર અસર કરે છે. તે સંધિવાનું સૌથી અપંગ સ્વરૂપ છે. આ બીમારી માત્ર સાંધા પુરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તે ત્વચા, આંખ અને આંતરિક અંગોને અસર કરે છે અને વ્યક્તિને વિકલાંગ બનાવી શકે છે. સામાન્ય રીતે વહેલી સવારે સાંધામાં દુખાવો અને અક્કડપણાના કારણે દર્દીઓ ડૉક્ટર પાસે આવે છે. છેલ્લા ત્રણ દાયકામાં આ બીમારીની સારવાર પદ્ધતિમાં નોંધપાત્ર પ્રગતિને કારણે આજે આ બીમારી અંગેનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું છે. રેમ્યુટોઈડ સંધિવા માટે ‘નાના અણુ’ ઊભરતો સારવાર વિકલ્પ છે, જે બીમારી અંગેનું દ્રષ્ટિબિંદુ ધરમૂળથી બદલી નાંખે છે. જોકે, આરોગ્યપ્રદ જીવનપદ્ધતિ અને સાંધાઓને અનુકૂળ કસરતો નિયમિત અપનાવવી એ હંમેશા આ બીમારીના વ્યવસ્થાપનનો એક મહત્વપૂર્ણ ભાગ રહેશે.’
એસજી શેલ્બી હોસ્પિટલ, અમદાવાદના સિનિયર એન્થ્રોપ્લાસ્ટી સર્જન ડૉ. શ્રીરંગ દેવધરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં ઘૂંટણના સંધિવાના બનાવો હંમેશા પાશ્ચાત્ય દેશો કરતાં વધુ રહ્યા છે, પરંતુ હવે લોકોનું જીવન વધતા, સ્થૂળતા, આહારની આદતો, બેઠાડુ જીવનપદ્ધતિ અને જમીન પર પલાઠી વાળીને બેસવાની સાંસ્કૃતિક ટેવોના કારણે પરિસ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આગામી કેટલાક દાયકાઓમાં ઘૂંટણના સંધિવાના બનાવોમાં હજુ વધારો થશે. વર્તમાન સમયમાં આપણે યુવાનોમાં પણ ઘૂંટણના સંધિવાનું ગંભીર પ્રમાણ જોઈએ છીએ અને આ મુદ્દે શહેરી-ગ્રામ્યમાં કોઈ વિભાજન જોવા મળતું નથી, બંને જૂથો સમાન રીતે તેનાથી અસરગ્રસ્ત થયા છે.’
ડૉ. શ્રીરંગ દેવધરે ઉમેર્યું હતું કે, ‘ક્યારેક ઘૂંટણમાં દુખાવો, ઘૂંટણ પર સોજો થવો, ચાલવા અને ઊભા રહેવાનો સમય ઘટી જવો અને ખુરશીમાંથી ઊભા થવામાં અને સીડીઓ ચઢવામાં તકલીફ થવી વગેરે ઘૂંટણના સંધિવાના પ્રારંભિક લક્ષણો છે. પછીના તબક્કામાં સોજો, વિકૃતિ, સતત પીડા અને તણાવ થાય છે. પ્રારંભિક તબક્કામાં સંધિવાની સારવાર દવાઓ, ફીઝિયોથેરપી અને જીવનપદ્ધતિમાં ફેરફાર મારફત સર્જરી વિના થઈ શકે છે. દર્દી સ્થૂળ હોય તો વજન ઘટાડવું તેના માટે સલાહભર્યું છે. યોગ્ય આહાર, પર્યાપ્ત સૂર્યપ્રકાશ અને તબીબી નિરિક્ષણ હેઠળ વિટામીન ડી3ના સેવન મારફત હાડકાઓને પણ મજબૂત કરી શકાય છે. સંધિવાના એડવાન્સ તબક્કામાં આંશિક ની રીપ્લેસમેન્ટ અથવા લાંબાગાળે ટોટલ ની રીપ્લેસમેન્ટ સ્વરૂપે શસ્ત્રક્રિયા સૌથી સફળ ઉકેલ છે.’
ગુજરાતમાં સંધિવાની સ્થિતિ અંગે વાત કરતાં એસજી શેલ્બી હોસ્પિટલ, અમદાવાદના ડિરેક્ટર – ઓપીડી સર્વિસીસ ડૉ. ભરત ગજ્જરે જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓ સુખી લોકો છે અને સારું ભોજન તેમને વિશેષ પસંદ છે. જોકે, તેના કારણે તેમનું વજન વધી જાય છે અને આ બાબત ઘૂંટણના સંધિવા માટે સૌથી મોટા કારણોમાંનું એક છે. ગુજરાતની ધાર્મિક પ્રજા સીડીઓ ચઢીને મંદિરે જવું તેમજ જમીન પર પલાઠી વાળીને બેસવા જેવી ચોક્કસ સાંસ્કૃતિક ટેવો ધરાવે છે, જેના કારણે ઘૂંટણને નુકસાન થાય છે. ઘૂંટણના સંધિવા માટેના અન્ય સામાન્ય કારણોમાં વધતી વય અને લાંબા સમય સુધી ઊભા રહેવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો સંયુક્ત પરિવારમાં જીવે છે અને દાદા-દાદીમાં ઘૂંટણના સંધિવાની અસર સરળતાથી જોવા મળે છે. જોકે, પડોશી રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સંધિવા અંગેની જાગૃતિ ખૂબ જ છે. ગુજરાત ઘૂંટણના સંધિવાની સારવાર તરફ નજર દોડાવતા આંરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય દર્દીઓને મોટી સંખ્યામાં આકર્ષે છે.’
એસજી શેલ્બી હોસ્પિટલના ડૉક્ટર્સે જણાવ્યું હતું કે સાંધાની તકલીફ અને જોઈન્ટ રીપ્લેસમેન્ટની સારવારમાં સૌથી મોટી સમસ્યા દર્દીઓની આર્થિક અક્ષમતા મુખ્ય પડકાર છે અને હેલ્થ વીમા અંગે લોકોમાં જાગૃતિનો અભાવ પણ ખૂબ જ છે. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના ગેમ ચેન્જર બનવાની સંભાવના છે તેમ છતાં સારા પ્રત્યારોપણના ખર્ચને આવરી લેવા માટે વળતર પર્યાપ્ત નથી. નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ પણ પ્રત્યારોપણના અનેક પ્રકારના ભાવ નિશ્ચિત કર્યા છે. આ કારણોથી વિદેશી ઉત્પાદકો ભારતમાં તેમના અત્યાધુનિક અને શ્રેષ્ઠ ઈમ્પ્લાન્ટ્સ રજૂ કરતા ખચકાય છે, કારણ કે સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા ભાવનું સ્તર તેમની અપેક્ષાઓને અનુરૂપ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
ડૉક્ટર્સે નોંધ્યું હતું કે પાશ્ચાત્ય વિશ્વમાં હિપ સંધિવાના બનાવો વધુ બની રહ્યા છે અને તેનું પ્રમાણ ભારતમાં ઘૂંટણના સંધિવા કરતાં પણ વધુ છે. ભારતમાં પરિસ્થિતિ વિપરિત છે, પ્રત્યેક 100 ની રીપ્લેસમેન્ટની સામે દેશમાં માત્ર એક હીપ રીપ્લેસમેન્ટ થાય છે.