નવીદિલ્હી: સ્વાઈન ફ્લુના કારણે વર્ષ ૨૦૧૮માં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. દેશભરમાં સ્વાઈન ફ્લુના કારણે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૩૫૩ લોકોના મોત થઇ ચુક્યા છે, જ્યારે ગુજરાતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ૩૦ લોકોના મોત સ્વાઈન ફ્લુના કારણે થયા હતા અને કુલ ૭૮૬ કેસો નોંધાયા હતા. સ્વાઈન ફ્લુને લઇને તમામ આંકડા સત્તાવારરીતે જારી કરી દેવામાં આવ્યા છે.
દેશભરની વાત કરવામાં આવે તો આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે સપ્ટેમ્બર સુધી ૩૫૩ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૪૪૮૪ અસર થઇ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે હજુ સુધી ૧૬૪ લોકોના મોત થઇ ચુક્યા છે. રાજસ્થાનમાં સ્વાઈન ફ્લુથી આ વર્ષે સૌથી વધારે મોત થયા છે. ઇન્ફેક્શનથી બચવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે.
ફિલ્ડ હેલ્થ કર્મીઓ તરફથી નિયમિત ઘેર ઘેર જઇને તપાસ કરવામાં આવી રહી છે. તમામ જિલ્લા અને મહાનગરપાલિકા ક્ષેત્રોમાં વિશેષરીતે તપાસ કરવામાં આવી રહી છે. ચાર રાઉન્ડ યોજવામાં આવી ચુક્યા છે. ખાસ ચાંપતી નજર હેઠળ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કુલ ત્રણ કરોડ ૮૭ લાખથી વધુ લોકોના ઘરે જઇને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાઈન ફ્લુ માટે નવ સરકારી ઉપરાંત આઠ ખાનગી લેબોરેટરી પણ રાખવામાં આવી છે.
આ વર્ષે સ્વાઈન ફ્લુના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યમાં રાજસ્થાનનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં મોતનો આંકડો ૧૬૪ છે. ગુજરાતમાં જ્યારે સત્તાવારરીતે ૩૦નો મોતનો આંકડો થયેલો છે અને ભારે હોબાળો મચેલો છે ત્યારે રાજસ્થાનમાં અનેક ગણા લોકોના મોત થયા હોવા છતાં ગુજરાતની સરખામણીમાં વધારે વધારો જાવા મળી રહ્યો નથી. નવરાત્રિના ગાળા દરમિયાન પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવનાર છે. કોઇપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે પગલા લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર ગરબાના આયોજકો અને સંચાલકોને ફર્સ્ટએડ અને હેન્ડ સેનિટાઇઝર આપવા માટે સૂચના આપી ચુકી છે.
આયોજકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા, સ્વાઈન ફ્લુની માહિતી આપવા માટે બેનરો, હોલ્ડિંગ મુકવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો કે, આગામી દિવસોમાં સ્થિતિ વધારે ગંભીર બને તેવા સંકેત હજુ દેખાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં સાવચેતીના પગલા ઝડપથી લેવાઈ રહ્યા હોવા છતાં કેસો નોંધાઈ રહ્યા છે.