મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ હ્વદયરોગ, કેન્સર જેવા જટિલ રોગના ઇલાજ માટે ગુજરાતમાં મેડિકલ રિસર્ચ અને ફાર્માસ્યુટિકલ રિસર્ચની સુવિધાઓ વ્યાપક બનાવવાની નેમ દર્શાવી છે.
તેમણે એવો પણ સંકેત આપ્યો કે, આવા જટિલ રોગની સારવાર માટે જરૂરતમંદ દર્દીઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી યોગ્ય સહાય આપવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે.
મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલના ઉપક્રમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રિસિપિઅન્ટસ અને અંગદાન કરનારા દાતા પરિવારોના સન્માન સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે પોતાના મૃત સ્વજનના અંગોના દાનથી કોઇના જીવનમાં નવી રોશની-નવી ચેતના આપવાનું ઇશ્વરીય કાર્ય જ માનવતાની સાચી દિશા છે.
મુખ્ય મંત્રીશ્રીએ અંગ પ્રત્યારોપણને સમયની માંગ ગણાવી ઉમેર્યું હતું કે, હ્વદય પ્રત્યારોપણ એ એક મોટી ઘટના છે અને હ્વદય પ્રત્યારોપણથી અનેક પરિવારોને નવજીવન મળે છે. આપણી સંસ્કૃતિમાં પણ અંગ પ્રત્યારોપણનું વર્ણન છે. ભગવાન ગણેશ અને દધીચી ઋષી તેના ઉત્તમ ઉદાહરણ છે. અંગદાનને પગલે અનેક દર્દીઓને નવું જીવન મળે છે ત્યારે અંગદાન માટે જાગૃતિ જરૂરી છે.
હ્વદય પ્રત્યારોપણને દીલથી દીલને જોડવાની ઘટના ગણાવી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧૯૬૮માં યુ.કે.માં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ભારતમાં ૧૯૯૪માં દલ્હીમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે ગુજરાતમાં ૨૦૧૬માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સિમ્સ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૪ (ચાર) હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે. સિમ્સ હોસ્પિટલના આ પગલાંને તેમણે બિરદાવ્યું હતું. રાજ્યમાં આવા દર્દીઓને અંગો નિશ્ચિત સમયમાં ગોલ્ડન અવરમાં પહોચાડવા માટે ગ્રીન કોરિડોરની યોજના પણ બનાવાઇ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યમાં સુપર સ્પેશ્યાલિટી સર્વિસ તથા મેડિકલ કોલેજોની સંખ્યા વધે તે માટે લેવાયેલાં પગલાંઓની જાણકારી આપી હતી. સામાન્ય, ગરીબ માનવીને પણ સરળતાએ આધુનિક તબીબી સારવાર સેવા મળી રહે તે માટે સરકારની સંકલ્પબધ્ધતા તેમણે વ્યકત કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સમાજજીવનમાં ઓર્ગન ડોનેશન માટેની જનજાગૃતિની આવશ્યકતા વર્ણવતા કહ્યું કે, જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેવા પરિવારો મન મજબૂત-કાઠું કરીને જેમને જરૂરીયાત છે એવા વ્યકિત-દર્દીને અંગદાન દ્વારા નવજીવન આપે તે માટેના સહિયારા જાગતિક પ્રયાસો-તબીબી જગત, સેવાભાવી સંસ્થાઓ અને સમાજશકિત-સરકાર સાથે મળીને કરે તે પણ એટલું જ ઉપયુકત છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે મુખ્યમંત્રીશ્રીએ સ્વયં પણ દેહદાન-અંગદાનનો સંકલ્પ કરેલો છે.
સિમ્સ હોસ્પિટલના ડૉ. કેયુર પરીખે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલે દર્દીઓની સેવાને પ્રાધાન્ય આપ્યું છે. ટૂંકાગાળામાં ચાર દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષ્યું છે. ઉપરાંત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા હોસ્પિટલના પ્રયાસોને રાજ્ય સરકારનો હકારાત્મક સહયોગ સાંપડ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે હ્વદય દાન કરનાર દાતાઓના પરિવારોનું મુખ્ય મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. આ વેળાએ હ્વદય દાન સ્વીકારનાર દર્દીઓ તથા તેમના પરિવારો સહિત અગ્રણી તબિબો ઉપસ્થિત રહ્યા હતા.