અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રો ક્રિએશન ઇવેન્ટ્સ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર હેરીટેજ ગરબો-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૦થી ૧૯ ઓકટોબર દરમ્યાન આકાશ અમન પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા આ હેરીટેજ ગરબામાં અમદાવાદ શહેરની ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસા એવા હેરીટેજ રસ્તાઓ, પોળો સહિતના સ્થાપત્યો અને નમૂનાઓનું ઉપરોકત સ્થળે ખાસ નિદર્શન અને પ્રદર્શન કરાશે કે જેથી શહેરીજનોને પણ આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિ વારસાની ગૌરવપૂર્ણ જાણકારી મળી શકે. આ નવતર પ્રયોગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને મેયર શ્રીમતી બીજલબહેન પટેલે પણ હકારાત્મક ભૂમિકા ભજવી છે એમ પ્રો ક્રિએશન ઇવેન્ટના ડાયરેકટર મીનલ ભુવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર આર્કિટેક્ચરલ વારસા સાથે સમૃદ્ધ છે, જે સ્થાનની સ્થાનિક ઓળખ અને સાતત્ય માટે મહત્વપૂર્ણ છે.
જેમાં ૧૫ મીથી ૧૭ મી સદીઓની અગ્રણી વારસાગત ભારત-ઇસ્લામિક સ્મારકોની સાથે, પોલ્સના સ્વરૂપમાં સંભવિત વારસોની જગ્યાઓ છે, મધ્યયુગીન કાળના પરંપરાગત રહેણાંક સમૂહ, જે અમદાવાદને અસાધારણ બનાવે છે. આ બધાને જોડીને, અમદાવાદની ઐતિહાસિક દિવાલો ધરાવતી શહેરને૨૦૧૭ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી સૂચિમાં ભારતના પ્રથમ શહેરમાં સામેલ કરવામાં આવ્યુ છે, તે બહુ મોટા ગૌરવની વાત છે. પ્રો ક્રિએશન ઇવેન્ટના ડાયરેકટર મીનલ ભુવાએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદીઓના મનપસંદ તહેવાર નવરાત્રી જેમાં દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિની ઝાંખી થતી હોય છે તેવા નવલી નવરાત્રીના તહેવાર દરમ્યાન આ વખતે પ્રો ક્રિએશન ઇવેન્ટ દ્વારા અમદાવાદ શહેરની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને અલગ રીતે લોકો સમક્ષ રજૂ કરવાના નવા અભિગમ સાથે આકાશ અમન પાર્ટી પ્લોટ ખાતે તા. ૧૦ થી ૧૯ સુધી – ૧૦ દિવસીય નવરાત્રીનું આયોજન કરાયું છે.
જેમાં અમદાવાદના હેરિટેજ રસ્તાઓ, જગ્યાઓ, પોળો, ખાણીપીણી કે બીજી કોઈ પણ વસ્તુ કે જેના કારણે અમદાવાદ શહેરને હેરીટેજ સીટીનો ગૌરવપૂર્ણ દરજ્જા મળ્યો છે તે તમામ પ્રતીકાત્મક વસ્તુઓનું નિદર્શન અને પ્રદર્શન કરવામાં આવશે. આ માટે છેલ્લા ત્રણેક મહિનાથી ભારે જહેમત ઉઠાવી કામગીરી કરાઇ રહી છે. આ નવતર અભિગમને લોકો સુધી પહોંચાડવા માટે પ્રો ક્રિએશન કંપનીની ટીમ વિકાસ દહીયા, રિચા પટેલ, ચિંતન પટેલ, જયદીપ દત્તાની અને બરખા ગેહલોટ સહિતના અગ્રણીઓનો પણ ફાળો રહ્યો છે તો, અમ્યુકોના અને શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી બીજલબેહન પટેલે પણ ખૂબ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
પ્રોક્રિએશન ટીમ દ્વારા સૌ પ્રથમવાર આ હેરિટેજ થીમ પર રાસ-ગરબાનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા ગુજરાતી ગાયકો આદિત્ય ગઢવી, રાગ મેહતા, શ્યામલ સૌમિલ મુન્શી, નયન પંચોલી અને જસરાજ શાસ્ત્રી સહિતના કલાકારો અમદાવાદીઓને ગરબે ઘુમાવશે. આ પ્રસંગે મેયર શ્રીમતી બીજલ પટેલે જણાવ્યું હતું કે, પ્રો ક્રિએશન ટીમ દ્વારા જયારે આ અનોખા હેરિટેજ ગરબો ૨૦૧૮ની મને આ જાણ કરવામાં આવી ત્યારે મેં ગૌરવ સાથે આની સંમંતિ આપી કારણ કે, જયારે આપણા અમદાવાદને આટલુ સરસ બિરુદ મળ્યું હોય તો આપણે કેમ તે ગૌરવને કેમ આગળ ના વધારી શકીએ. અમ્યુકો દ્વારા અમે હેરિટેજ જગ્યાઓને જાળવી રાખવા અને શહેર ની સુંદરતાને વધુ નોંધનીય બનાવવા સતત પ્રયાસો કરીએ છીએ અને તેના ભાગરૂપે આ એક પ્રયાસ છે. દરેક અમદાવાદીને મારી વિનંતી છે કે આ નવલી નવરાત્રીના તહેવારનો આપણે સૌ મળીને આનંદ માણીએ અને માં અંબા ની કૃપા આપણા સૌ ઉપર બની રહે.