નવી દિલ્હી:પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ સમાન બનનાર છે. આ ચૂંટણીથી લોકસભા ચૂંટણીને લઈને દિશા નક્કી થશે. રાજસ્થાનમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કરીને જીત મેળવી હતી. આ વખતે બંને વચ્ચે સીધી ટક્કર છે. રાજસ્થાનમાં છેલ્લે ૨૦૧૩માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે જોરદાર સપાટો બોલાવીને ૧૬૦ સીટો જીતી હતી. કોંગ્રેસને ૨૫ અને અન્યોને ૧૫ સીટો મળી હતી.
આવી જ રીતે મધ્યપ્રદેશમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપની સરકાર રહેલી છે. નવેમ્બર ૨૦૦૫માં શિવરાજસિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી તેઓ ત્રીજી અવધિમાં મુખ્યમંત્રી તરીકે છે. આ વખતે મધ્યપ્રદેશમાં પણ ભાજપને જારદાર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વિધાનસભાની ૨૪૦ સીટો છે. એક તબક્કામાં ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન યોજાશે. અહીં પણ શાસન વિરોધી પરીબળો આ વખતે જારદાર છે અને લોકોની નારાજગી દેખાઈરહી છે.
છત્તીસગઢમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૩માં યોજાઈ હતી. જેમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો. આ વખતે અહીં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરે અને બીજા તબક્કામાં ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે. ૨૭ જિલ્લાઓમાં વિધાનસભાની કુલ ૯૧ સીટો છે જે પૈકી ૯૦ સીટો પર હંમેશા મતદાન થાય છે. એક એન્ગલો ઇન્ડિયન સીટ છે. આ રાજ્યમાં ભાજપ હાલ સત્તામાં છે. ડા.રમણસિંહ મુખ્યમંત્રી છે. કોંગ્રેસ પાર્ટી મુખ્ય વિરોધી પાર્ટી છે. ભાજપ પાસે ૪૯ અને કોંગ્રેસ પાસે ૩૯ સીટો છે. અન્યોની પાસે ત્રણ સીટો રહેલી છે. ૨૦૦૦માં અસ્તિત્વમાં આવેલા છત્તીસગઢમાં શરૂઆતી ત્રણ વર્ષ કોંગ્રેસની સરકાર રહી હતી. જ્યાં મુખ્યમંત્રી તરીકે અજીત જાગી હતી. ડિસેમ્બર ૨૦૦૩થી ભાજપની સત્તા છે અને રમણસિંહ મુખ્યમંત્રી છે. શિવરાજસિંહની જેમ જ રમણસિંહ પણ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે રહ્યા છે પરંતુ સમયના મામલામાં તેઓ વધારે સિનિયર દેખાઈ રહ્યા છે. શિવરાજસિંહ ૧૩ વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી છે જ્યારે રમણસિંહ ૧૫ વર્ષથી મુખ્યમંત્રી છે.
છત્તીસગઢમાં પણ પરિસ્થિતિ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવી છે. ભાજપની સામે શાસન વિરોધી પરીબળ છે. કોંગ્રેસની પાસે વિકલ્પો ઓછા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતા અજીત જાગી હવે પોતાની નવી પાર્ટી બનાવી ચુક્યા છે. તેલંગાણામાં એપ્રિલ-૨૦૧૪માં ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં ૩૧ જિલ્લાઓ પૈકી ૧૧૯ સીટો છે. ટીઆરએસ પાસે ૯૦ સીટો અને કોંગ્રેસ પાસે ૧૩ સીટો છે.