અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય લીડર હાર્દિક પટેલે ગાંધી જ્યંતિના દિવસે ફરી એકવાર રૂપાણી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી, પાટીદારો માટે અનામત અને અલ્પેશ કથિરિયાની જેલમાંથી મુક્તિની માંગ કરીને ૨૫મી ઓગસ્ટથી ૧૯ દિવસ સુધી અનશન કર્યા બાદ પણ રાજ્ય સરકાર તરફથી કોઇ માંગ નહીં સ્વીકારવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે પાટીદાર સમાજના અગ્રણીઓની માંગને સ્વીકારીને અનશનનો અંત આણ્યો હતો.
આજે હાર્દિક પટેલે ફરી એકવાર પ્રતિક ઉપવાસનું રણશિંગુ ફુંક્યું હતું. મોરબી જિલ્લાના બગથળા ગામથી હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. સવારે ૧૦ વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જાહેરસભાને પણ સંબોધી હતી જેમાં હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાતમાં સાત દિવસમાં પાંચ ખેડૂતો આપઘાત કરી ચુક્યા છે. હાર્દિકે એમ પણ કહ્યું હતુંકે, બે અઢી મહિના બાદ ટંકારા-મોરબી આસપાસ ખેડૂત મહાસંમેલન યોજવામાં આવશે જેમાં લાખો ખેડૂતોને એકત્રિત કરવામાં આવશે. હાર્દિકે ઉમેર્યું હતું કે, ખેડૂતોની માંગણીઓને લઇને પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષના ગાળામાં મોરબીમાં અનેક પડકારો આવ્યા છે. પીવાના પાણી અને સિંચાઈના પાણીની તકલીફ આવી રહી છે.
મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. મોરબી જિલ્લાનો વિકાસ થયો નથી. ગેસના બાટલાના ભાવ ૩૫૦થી ૮૦૦ થયા છે પરંતુ કપાસના ભાવ ૮૦૦થી ૧૫૦૦ થયા નથી. આપણે ખરાબ મુખ્યમંત્રીને ચૂંટીને મોકલ્યા છે. બે અઢી મહિના બાદ ખેડૂત મહાસંમેલન યોજવામાં આવશે. સરકારે ખેતીમાંદ ૧૦ કલાક વિજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ માત્ર પાંચ જ કલાક વિજળી મળી રહી છે. ડીએપીનો ખાતરનો ભાવ આજે વધીને ૧૪૦૦ ઉપર પહોંચી ગયો છે. ખેડૂતના આકÂસ્મક મોત પર સરકાર બે લાખ રૂપિયાની સહાયતા આપી રહી છે. સરકાર માને છે કે, સહાયતા માટે ખેડૂતને કિંમત ચુકવવી પડશે. કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પણ આંદોલન કરવામાં આવશે. પ્રતિક ઉપવાસ પહેલા બે કિલોમીટરની બાઇક અને કાર રેલી યોજવામાં આવી હતી. પ્રતિક ઉપવાસ સવારે ૧૦ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યા હતા જેમાં સૌરાષ્ટ્રના લોકો જાડાયા હતા. કનુ કલસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકે મોરબીના નવા ગામે રાત્રિ રોકાણ કર્યું હતું. ગાંધી જ્યંતિના પ્રસંગે હાર્દિકે અગાઉ કહ્યું હતું કે, સમાજમાં ફેલાયેલી ઘૃણા, અહિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરવામાં આવશે.