અમદાવાદ: શહેરમાં વિવિધ વિસ્તારોમાં શહેર ટ્રાફિક પોલીસ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધી ડાન્સ કંપની દ્વારા શહેરમાં ડાન્સ શો મારફતે ટ્રાફિક નિયમનની અનોખી પહેલ કરવામાં આવી હતી. શહેરના રિલીફ રોડ અને પકવાન ચાર રસ્તા પાસે આજે ડાન્સ કંપનીના યુવાઓએ જાહેરમાર્ગ પર ટ્રાફિક સિગ્નલના રોકાણની ગણતરીની સેકન્ડો અને મિનિટ દરમ્યાન અનોખા સંદેશાત્મક ડાન્સ રજૂ કરી ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક રૂલ્સના પાલનનો સંકલ્પ લેવડાવ્યો હતો. ખુદ ટ્રાફિક પોલીસ અને જાગૃત નાગરિકો આ અનોખા ડાન્સ શોના કન્સેપ્ટની સરાહના કરતાં જોવા મળ્યા હતા.
શહેરમાં ટ્રાફિક રૂલ્સના પાલન અને ટ્રાફિક અવેરનેસને લઇ આજે ધી ડાન્સીંગ કંપની દ્વારા શહેરના રિલીફ રોડ અને પકવાન ચાર રસ્તા પાસે સાંજે ૪-૩૦થી ૭-૦૦ દરમ્યાન અનોખા ડાન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાન્સ કંપનીના સ્થાપક રૂપાલી ખન્નાએ જણાવ્યું હતું કે, શહેર સહિત રાજયમાં દિન પ્રતિદિન વધી રહેલા માર્ગ અકસ્માતો અને ટ્રાફિક નિયમનના ભંગને લઇ ઘણીવાર ભરપાઇ ના થઇ શકે તે હદે માઠા પરિણામો સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે સહેજ જાગૃતિ રાખી અને ટ્રાફિક નિયમોનું પાલન કરી મોટી મુશ્કેલી કે દુર્ઘટનામાંથી બચી શકાય છે. શહેરના નાગરિકોમાં ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક રૂલ્સના પાલનની સાચી ભાવના કેળવાય તેવા ઉમદા આશયથી જ ડાન્સીંગ કંપની દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અનોખા ડાન્સ શો મારફતે આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.
આ ઉમદા સેવાકાર્યમાં શહેર ટ્રાફિક પોલીસ, શહેર પોલીસ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ભરપૂર સાથ-સહકાર આપ્યો છે. આ સહકાર બદલ અમે શહેર ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસના આભારી છીએ. ડાન્સ કંપનીના સ્થાપક રૂપાલી ખન્નાએ આવી અનોખી ઝુંબેશ પાછળનું કારણ સમજાવતાં જણાવ્યું હતું કે, અગાઉ તેમના બહેન સાથે એકથી વધુ વખત માર્ગ અકસ્માત થઇ ચૂકયા છે અને તેણી તેમ જ તેમના પરિવારજનો આ ભયંકર માનસિક યાતનામાંથી પસાર થઇ ચૂકયા છે., તેથી અન્ય શહેરીજનો કે કોઇપણ પ્રજાજનો આવા તબક્કામાંથી પસાર ના થાય તેવી ઉમદા ભાવના અને હેતુ સાથે જ ડાન્સ કંપની દ્વારા અનોખા ડાન્સ શો દ્વારા નાગરિકોને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક રૂલ્સના પાલનના સંદેશો વહેતો કરવાનું અભિયાન છેડવામાં આવ્યું છે.
આ જ મુદ્દે આગામી તા.૭મી ઓકટોબરના રોજ શહેરના પાલડી સ્થિત ટાગોર હોલ દ્વારા ધી ડાન્સ કંપની દ્વારા સ્ટોપ, લુક એન્ડ ગો થીમ પર લાઇવ ડાન્સ શોનો અદ્ભુત કાર્યક્રમ રજૂ કરવામાં આવનાર છે, જેમાં શહેર ટ્રાફિક પોલીસ, શહેર પોલીસ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સહભાગી બનશે. આજના સમયમાં ટ્રાફિક રૂલ્સનું પાલન અને ટ્રાફિક નિયમન એ માત્ર ટ્રાફિક પોલીસ જ નહી પરંતુ જાહેરજનતા અને નાગરિકોની પણ એટલી જ જવાબદારી અને નૈતિક ફરજ છે, તમામ લોકોએ આ માનસિકતા કેળવવી પડશે અને તેનો સંકલ્પ લેવો જોઇએ.