ગમતાનો કરીએ ગુલાલ
” તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું. “
-શ્રી રાજેશ વ્યાસ “મિસ્કીન”
કવિ અહીયાં પોતાના પ્રિય પાત્રને બે જૂદાજૂદા સંજોગોમાં પણ પોતાની પાસે જ આવી જવા જણાવે છે. કવિને તેમના પ્રિય પાત્રનો વિરહ વેઠાતો નથી તેવું લાગે છે. કવિ પહેલાં તો એમ જ કહે છે કે જો તારું કશું જ ના હોય અથવા તો તારી પાસે કાંઇ પણ ના હોય તો તું સરળતાથી તારું ગામ કે શહેર છોડીને આવી જા અને જો તારી પાસે બધું જ એટલે કે ધન, દોલત , સત્તા, પદ માલ મિલકત હોય તો તું એ મારા માટે છોડી શકે છે એવું દુનિયાને બતાવી દે, તો જ હું તને ધન્યવાદ આપી શકીશ અથવા તો જ હું મારા પ્રેમ પર ગર્વ લઇ શકીશ એવું આ શેર દ્વારા કવિ કહેવા માગે છે. જીવનમાં સાચા મિત્ર કે સાચા સાથી મળવા ખૂબ મુશ્કેલ છે તે ધ્યાનમાં રાખી એમણે પોતાની પ્રિયા અથવા તો પાકા ભાઇબંધને પોતાનો પ્રેમ અથવા તો દોસ્તી પૂરવાર કરવા માટે એની પાસે જે કંઇ છે તે તમામ છોડીને તેમની પાસે આવી જવા વિનંતી કરી છે. તમે પણ કોઇના ખરા પ્રેમી કે સાચા દોસ્ત હોવ તો તમારે પણ એમના માટે તમારું બધું છોડીને જવાની તૈયારી રાખવી જોઇએ અથવા તો ખરેખર તેમની પાસે ચાલ્યા જવું જોઇએ.
આ શેરનો બીજો અર્થ કાઢીએ તો એવો પણ નીકળે કે અહીં આપણે કવિના બદલે કવિના રૂપમાં ઇશ્વર આપણને સર્વસ્વ છોડીને તેની પાસે બોલાવે છે તેમ પણ ગણી શકીએ. અને આવું માન્યા પછી તો ઇશ્વરના સાનિધ્ય માટે આપણે જે કરીએ તે ઓછું પડશે તેને માટે વધારે કંઇ સમજાવવાની જરૂર જણાતી નથી. ટૂંકમાં કવિ વ્યક્તિને ત્યાગનો મહિમા સમજાવવાની કોશિશ કરેલ છે. જે ત્યાગ કરી શકે તે જ મહાન છે.