* યુગપત્રીઃ ઇશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો *
સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો,
ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો.
-અજ્ઞાત
મિત્રો,
મિત્ર એ આપણી જિંદગીનો અગત્યનો ભાગ હોય છે. ઇશ્વરે માણસની એકલતાને દૂર કરવા માટે જ કદાચ મિત્રો બનાવવાની શરૂઆત કરી હશે અથવા તો ઈશ્વર જેમને લોહિના સંબંધથી બાંધવાનું ભુલી ગયા હશે એમને મિત્રો બનાવ્યા હશે.
મિત્ર એટલે આપણી જિંદગીમાં એક એવું પાત્ર છે કે જેની સામે આપણે કોઈપણ જાતના દેખાડા વગર સાવ સહજ રીતે રહી શકીએ છીએ. મિત્ર એટલે આપણું એવું સરનામું છે કે આપણે જેવા હોય એવા એની સામે વ્યક્ત થઈ શકીએ છીએ. મિત્ર આપણને ટ્રાન્સફોર્મ કર્યા વગર જ પ્રેમ કરે છે. આપણને જેવા હોય એવા સ્વીકારીને આપણી સાથે વ્યવહાર રાખે છે.
મિત્રતા એ કોઈ સંબંધનો પ્રકાર નથી. મિત્રતા તો એક તત્વ છે જે આપણી એકલતાને દૂર કરીને આપણને હળવાફૂલ કરે છે. ભાગ્યે જ કોઈ માણસ એવો હશે કે જેને મિત્રના હોય..! જેને કોઈ મિત્ર ના હોય એનો વિશ્વાસ કરવામાં પણ ચેતવું જોઈએ.
મિત્રતાના કોઈ માપદંડ નથી હોતા, મિત્રતામાં કોઈ ભેદભાવ નથી હોતા, અમીર માણસને પણ ગરીબ મિત્ર હોય છે. ખરાબ માણસને પણ સારા મિત્રો હોય છે. મિત્રતા આ બધી દુન્યવી વસ્તુઓથી પર આત્માના બંધનની વાત છે. મન મળે ત્યાં મિત્રતા બંધાઈ છે. મન મળ્યા વગર મિત્રતા થાય એ બહુ ટકતી નથી હોતી.
મિત્રો,જો તમેં આંખ બંધ કરીને તમારા મનમાં વિચારો તો અત્યારે તમારી નજર સામે એવા કેટલાય મિત્રોના ચહેરા ફરી ગયા હશે કે જેની સાથે તમે જિંદગીની ક્ષણોને માણી હતી. આપણી ઉંમર પ્રમાણે આપણા મિત્રો અને મોજ હોય છે.
નાનપણમાં જેની સાથે ગલુડિયા રમાંડ્યાં હોય, નદીમાં કુદકા માર્યા હોય, જેની સાથે મળીને ભમરડા ફેરવ્યા હોય, લખોટીઓ માટે લૂંટમલૂંટ કરી હોય, જેની સાથે સતોડીયો, આંબલી-પીપળી, પકડદાવ, લંગડી કે કબડ્ડી જેવી રમતો રમી હોય, જેની સાથે ગામની શેરીઓમાં હોળી માટે છાણાં ઉઘરાવ્યાં હોય, દિવાળીની રાતે જેની સાથે બીજાની રંગોળીમાં ફટાકડા ફોડ્યા હોય એવા અનેક મિત્રો આપણી સાથે બાળપણમાં હતા.
એવા પણ મિત્રો હતા કે જેની સાથે આપણે બેન્ચ અને લંચબોક્સ બન્ને વહેંચ્યું હોય, જેની સાથે આપણે પેન અને પુસ્તકો શેર કર્યા હોય, જેના માટે આખા કલાસ સાથે લડી લેવા તૈયાર હોય, જેની સાથે મળીને ચાલુ પિરિયડે કાગળના વિમાન બનાવ્યા હોય, ક્યારેક હોમવર્ક ના લાવવા બદલ જેની સાથે ક્લાસની બહાર પણ ઉભા હોય આવા શાળા મિત્રોની યાદી પણ લાંબી થાય.
જ્યારે માણસ યુવાનીમાં પ્રવેશે ત્યારે પણ અલગ મિત્રો હોય છે. જેની સાથે લેક્ચર બન્ક કર્યા હોય, જેની સાથે એક દિવસમાં 2 કે 3 મુવીઓ જોઈ હોય, જેની સાથે વરસતા વરસાદમાં બાઇક પર બેસીને લોન્ગ ડ્રાઈવનો આનંદ માણ્યો હોય, જેની સાથે કોલેજ પુરી કરીને જિંદગીની શરૂઆત કરી હોય એવા પણ મિત્રો હોય છે.
પણ મિત્રો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે નાનપણમાં આપના જેટલા મિત્રો હતા એટલે મિત્રો આપણી કોલેજ લાઈફમાં કે આપણી પ્રોફેશનલ લાઈફમાં નથી હોતા, એનું કારણ એ છે કે જેમ જેમ માણસ મોટો થતો જાય છે એમ એમ એ લાગણીશીલ ઓછો અને પ્રેક્ટિકલ વધારે થતો જાય છે પરિણામે મિત્રોની સંખ્યા મર્યાદિત થતી જાય છે. પછી ક્યારેક જીવનની ઢળતી સાંજે આપણને એ બધા મિત્રો એક સાથે સાંભરે છે.
આ બધા બાળપણના મિત્રો, શાળાના મિત્રો, કોલેજના મિત્રો, ધંધાદારી મિત્રો આ બધા મિત્રો વચ્ચે એક ચહેરો સતત આપણી આંખ સામે તરવરતો હોય છે એને એ ચેહરો હોય છે આપણા જીગરિયાનો, આપણા ડીયરિયાનો, આપણા જીગરના ટુકડાનો…!
મિત્રો,આપણને સવાલ થાય કે આ બધા મિત્રોની યાદીમાંથી એવું તે શું હોય છે આપણા એ બેસ્ટફ્રેન્ડમાં કે જેના લીધે એ આપણને આટલો બધો યાદ હોય છે!?, આટલો બધો વ્હાલો હોય છે.!?
અને આ પ્રશ્નોના જવાબ આપવા માટે જ મેં આવતી યુગપત્રી માટે પસંદ કર્યું છે વર્ષ 2009માં રિલીઝ થયેલી, આપણી એજ્યુકેશન સિસ્ટમ પર કટાક્ષ કરતી અને જેને ભારતીય સીને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરતી પહેલી ફિલ્મનું બહુમાન પ્રાપ્ત થવાની સાથે સાથે જેણે 6 ફિલ્મફેર એવોર્ડ અને 3 નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે એવી ફિલ્મ થી ઇડિયટ્સનું ગીત :-
बहती हवा सा था वो……
સ્વાનંદ કિરકરે દ્વારા લિખિત અને શાન – શાંતનુ મોઇત્રા દ્વારા ગવાયેલ આ ગીતને 57માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 2010 આઇફા એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીત તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
તો માણીએ આવતા શુક્રવારે આ સરસ મજાના ગીતને……!
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત