અમદાવાદ: કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા આગામી તા.૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ ઉજવણી પાછળ રૂપિયા ૧૫૦ કરોડનો અને રાજ્ય સરકાર રૂ.૨૫ કરોડનો ખર્ચ કરશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારપક્ષ તરફથી ગંભીર આક્ષેપ કરાયો છે કે, ગાંધી જયંતિની ઉજવણીને લઇ કરોડો રૂપિયાનો કયા કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવશે તે અંગેની કોઈ જાણકારી સરકાર દ્વારા આપવામાં આવી નથી. જે લોકોએ કાર્યક્રમોમાં ભાગ લેવો હોય એવા લોકો જાણકારીના અભાવે ભાગ લઈ શકશે નહીં.
આ અરજીને લઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને આ તમામ મુદ્દે જરૂરી સૂચના મેળવી અદાલતને જાણ કરવા નિર્દેશ કર્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં ગાંધી જયંતિની આ ઉજવણીને લઈ ગત ઓગસ્ટ માસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની બે વર્ષ સુધી ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિના સૂચનોના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે કાર્યરત રહેશે. આ સમિતિના અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડા. જે. એન. સિંહ, નાણાના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, પ્રવાસન અગ્ર સચિવ હૈદર તેમજ ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયા, અમદાવાદના મેયર બિજલ પટેલ, ધારાસભ્ય જીતુ વાઘાણી, ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ અનામિક શાહ અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારા, વાંચે ગુજરાત અભિયાનના મહાદેવ દેસાઇ, કસ્તુરબા ધામ રાજકોટના ટ્રસ્ટી મીરાબેન ચટવાણી અને શ્રીમદ રાજચંન્દ્ર આશ્રમ ધરમપુરના ભાવિન રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સમિતિ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરશે. હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના આંધણને લઇ ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જા કે, હાઇકોર્ટે આ મુદ્દે સરકારને જે તે વિભાગમાંથી જરૂરી સૂચના મેળવી અદાલતને જાણ કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.