* સૂરપત્રીઃ રાગ નંદ*
આ સપ્તાહનો રાગ છે.
રાગ નંદ
મિત્રો,
સામાન્યતઃ ચંચળ પ્રકૃતિને આપણે ઘણી વાર તોફાન શબ્દના સંદર્ભે સમજવાની ભૂલ કરતા હોઈએ છીએ કિન્તુ, એવું નથી હોતું. ચંચળતાના અનેક પ્રકાર હોય શકે છે. રાગ નંદ એવી પ્રકૃતિ ધરાવતો રાગ છે.
ચંચળ શબ્દ બાળક/સ્ત્રી પ્રકૃતિને વધુ અનુરૂપ બેસે છે.
બાળકની ચંચળતા તેના વર્તનથી અને નિર્દોષ વર્તણુક પરથી સમજી શકાય છે જ્યારે, સ્ત્રીની નિર્દોષ ચંચળતા એના કઇંક કેટલાય વર્તન પરથી પરખાય જતી હોય છે. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે એ પ્રેમમાર્ગે પોતાની જાતને વહાવતી હોય છે. સંબંધોની બાબતમાં સ્ત્રી પુરુષોની સરખામણીમાં અતિભાવુક હોય છે. બંધન એ પુરુષની પ્રકૃતિથી વિરુદ્ધની બાબત છે જ્યારે, સ્ત્રી પ્રેમમાં હોય ત્યારે એ સંબંધમાં પૂરેપૂરી બંધાય જવા ઇચ્છતી હોય છે. પોતાની જાતને પણ એજ રીતે ઢાળવા મથતી હોય છે. આવા જ કઇંક આંતરિક ભાવ રજૂ કરતી એક ફિલ્મ મેરા સાયાનું ટાઇટલ ગીત તું જહાં જહાં ચલેગા મેરા સાયા એ નંદ રાગ બેઇઝડ રચના છે… મિત્રો, આ ગીત પાછળ પણ એક નાનકડો ઇતિહાસ છુપાયેલો છે. ગીતકાર રાજા મહેંદી અલી ખાને જ્યારે આ કૃતિનું સર્જન કર્યું ત્યારે સંગીતકાર મદન મોહનને ગીત સ્વરબદ્ધ કરવામાં ખાસ્સી મુશ્કેલીઓ પડી હતી. ત્યારબાદ જ્યારે આ ગીત રેકોર્ડીંગ થવાનું હતું ત્યારે લતા જી સ્ટુડિયોમાં આવ્યા અને પૂછ્યું કે ગીત તૈયાર છે…? તો મદન જી એ કહ્યું કે હજુ સ્વરને અનુકૂળ રીતે ઢાળી જ નથી શકાયો. ત્યારબાદ લતાજીએ એમને એક સજેશન કર્યું કે, ભાઈ આપ આ ગીતમાં રાગ નંદનો પ્રયોગ કેમ નથી કરતા….? એ જ સમયે સંગીતકાર મદન મોહનજીને ક્લિક થઈ ગયું અને આ સદૈવ અવિસ્મરણીય કૃતિનું પૂર્ણતઃ સર્જન થયું.
મિત્રો, નંદ રાગનો સ્વભાવ જ કઇંક એવો છે કે, ચંચળ ગીતોના સર્જનમાં એનો ફાળો હોય જ છે.
થોડુંક વ્યાખ્યાયિત કરીને સમજાવું તો, કોઈ એક સ્ત્રી/પુરુષને ક્ષણોનું સામીપ્ય માણવા માટે મજાની ક્ષણ એટલે કઇંક આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય.
સંધ્યા નો સમય હોય, મોન્સુન ની શરૂઆત હોય, મંદ મંદ વરસાદ હોય, ને માટીની ભીની સોડમ એવી સ્પર્શે જાણે કોઈ ૧૭ વર્ષ ની તૂરી તૂરી કન્યાના યૌવન ને પાંખો ફૂટી હોય….(અહીં ફરી એજ ચંચળતા શબ્દ અગ્રીમ રહેશે.)
જાણે કે, પ્રેયસીની હાજરીની એક ઓરા બંધાઈ અને જેમ કસ્તુરીમૃગની ડુંટીમાંથી નીકળતી ભીની સુગંધ તમારા હૃદયની આરપાર થઈ જાય અને યુગોથી આ ક્ષણો ઝંખતું મારું મ્હાયલું સંવેદનાઓને ઝીલી તૃપ્તિનો એવો પરમાનંદ અનુભવે કે એ ઘડીઓ અવિસ્મરણીય બની માનસપટમાં સંગ્રહ થઈ જાય.
આકાશમાં મેઘધનુષી રંગ છવાયેલો હોય…..ચંદ્ર પૂર્ણકળા એ ખીલ્યોના હોય અને પ્રથમ એકાંતે નવવધૂના મુખડા પર ઉપસ્થિત થતા આછા આછા પરસેવાના બિન્દુઓ જે પ્રેયસીના મુખ પર દ્રષ્ટિપાત થતા હોય. જાણે એક સંબંધ વૃદ્ધિ પામવા માટે રૂપ અંકુરિત કરવા મથી રહ્યો હોય. ડાળીઓ પર નવા અંકુર કોળી ઉઠે એવું જ કઇંક સર્જન થતું હોય.
આ સમય કઇંક એવો હોય કે, પોતાના જ ઘરોંદાની બાલ્કનીમાં વિરામ ખુરશી પર પગ લાંબા કરી બન્ને વ્યક્તિ એકબીજાને સંપૂર્ણપણે સમર્પિત કરવા તૈયાર હોય. આ ભાવ, આ સંવેદનો, ને શાબ્દિક રીતે રજૂ કરવા બહુ કપરું છે.
જો કે એકવાત આપણે સૌ એ સ્વીકાર્ય કરવી જ પડે કે ઉત્તમ કૃતિના સર્જનમાં શબ્દો અને સ્વરો બન્નેનું સંયુક્ત સંયોજન જ હોય છે કિન્તુ, શબ્દો કરતા સ્વર હંમેશા અગ્રીમ ભૂમિકામાં હોય છે.
મિત્રો, નંદ રાગ એ કલ્યાણ થાટમાંથી ઉત્પન્ન થયેલો આ શાંડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે. આ રાગમાં બે મધ્યમના પ્રયોગ કરવામાં આવતા હોય છે અને અન્ય સ્વરો શુદ્ધ હોય છે. આ રાગમાં હમીર, બિહાગ, કામોદ વગેરે રાગોનું મિશ્રણ હોય છે અને એ માટેજ આ રાગ ચંચળ પ્રકૃતિને વરેલો છે.
આ રાગની અન્ય એક કૃતિમાં, એક નોન-ફિલ્મી રચના છે જે, સંગીતકાર મોહન બલસારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. સો ના સકા, કલ યાદ તુમ્હારી આયી સારી રાત ગીત છે.
આરોહ:- સા ગ મ, પ ધ નિ પ, સાં.
અવરોહ:- સાં ધ નિ પ, ધ મ (તીવ્ર)
પ, ગ મ ધ પ રેસા
સમય:- રાત્રી નો પ્રથમ પ્રહર.
તો ચાલો મિત્રો, મસ્ત મજાના આ રાગ ની એક કૃતિ સાંભળીએ….
કોલમિસ્ટઃ મૌલિક સી. જોશી (જૂનાગઢ)
Movie/Album: मेरा साया (1966)
Music By: मदन मोहन
Lyrics By: राजा मेहदी अली खान
Performed By: लता मंगेशकर
तू जहाँ जहाँ चलेगा
मेरा साया साथ होगा
मेरा साया साथ होगा…
कभी मुझको याद करके, जो बहेंगे तेरे आँसू
तो वहीं पे रोक लेंगे, उन्हें आ के मेरे आँसू
तू जिधर का रुख करेगा
मेरा साया साथ होगा…
तू अगर उदास होगा, तो उदास हूँगी मैं भी
नज़र आऊँ या ना आऊँ, तेरे पास हूँगी मैं भी
तू कहीं भी जा रहेगा
मेरा साया साथ होगा…
मैं अगर बिछड़ भी जाऊँ, कभी मेरा ग़म न करना
मेरा प्यार याद करके, कभी आँख नम न करना
तू जो मुड़के देख लेगा
मेरा साया साथ होगा…
मेरा ग़म रहा है शामिल, तेरे दुख में, तेरे ग़म में
मेरे प्यार ने दिया है, तेरा साथ हर जनम में
तू कोई जनम भी लेगा
मेरा साया साथ होगा…