અમદાવાદ: હેબતપુર ગામમાં રહેતા અને થલતેજની એક કંપનીમાં નોકરી કરતો યુવક થલતેજ વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકમાં બેંક કર્મચારીઓ અને સ્ટાફની હાજરીમાં બે શખ્સો દ્વારા લૂંટી લેવાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવક પાસેથી બે અજાણ્યા શખસો બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાની જગ્યાએ બહાર ડિપોઝિટ મશીનમાં પૈસા ભરવાનું કહી રૂ.૧૩ હજાર અને મોબાઇલ ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો, પોલીસે એસબીઆઇ બેંકની થલતેજ શાખાના સીસીટીવી ફુટેજની પણ તપાસ કરી તેના આધારે પણ કોઇ કડી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અંગેની વિગત એવી છે કે, મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હેબતપુર ગામમાં રહેતો અખિલેશ યાદવ (ઉ.વ.ર૪) થલતેજમાં આવેલ એક કંપનીમાં નોકરી કરે છે. ગઇકાલે તેને તેના વતનમાં પૈસા મોકલવાના હોવાથી સવારે ૧૧.૦૦ વાગ્યા આસપાસ થલતેજ લેન્ડમાર્ક હોન્ડાની બાજુમાં આવેલ એસબીઆઇમાં ગયો હતો. તેના પિતાના ખાતામાં પૈસા ભરાવવા લાઇનમાં ઊભો હતો ત્યારે કોઇ અજાણ્યો ઇસમ તેની પાસે આવ્યો હતો અને લાઇનમાં નથી ઊભું રહેવું, બહાર કેશ ડિપોઝિટ મશીન છે તેમાં પૈસા ભરી દઇએ.
અખિલેશ તે યુવક સાથે બહાર આવ્યો અને બે શખસોએ તેની પાસે રહેલા રૂ.૧૩ હજાર લઇ મશીનમાં ભરવાનું કહ્યું હતું. હિસાબ કરવો છે તેમ કહી મોબાઇલ ફોન પણ માગ્યો હતો. બંને શખસ નજર ચૂકવી રૂ.૧૩ હજાર અને મોબાઇલ લઇ ગુરુદ્વારા તરફ નાસી ગયા હતા. અખિલેશે તેમનો પીછો પણ કર્યો હતો પણ બંને શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. બાદમાં યુવકે વ†ાપુર પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બેંકના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.