અમદાવાદ:કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાંગલેએ અંબાજી ભાદરવી પૂજન મેળાના સંદર્ભમાં પુરતી માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયાને માહિતી આપતાં કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, માતાજીના દર્શનાર્થે આવતા યાત્રીકોને વંદન કરું છું. તેમણે કહ્યું કે, લાખો યાત્રિકો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનુ પાણી, સુરક્ષા, પરિવહન અને ર્પાકિંગ અંબાજી મુકામે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ભોજનની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનો કલેક્ટરએ જણાવ્યું હતું. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, મેળા પ્રસંગે ૩૦ લાખથી વધુ યાત્રિકો આવવાની ધારણા છે તે પ્રમાણે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ખોવાયેલ બાળકો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ નાના બાળકોને માતાઓ દ્વારા દુધ પીવડાવવા માટે બ્રેસ્ટ ફિડિંગની સુવિધા પણ કરવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓ, સિનિયર સિટીઝન નાગરિકો માટે અંબાજી નજીક આવેલ કામાક્ષી મંદીરથી અંબાજી સુધી ૪ એસ.ટી બસો વિનામુલ્યે પ્રવાસ માટે મુકવામાં આવી છે. કલેકટરએ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ બનાવેલ વિનામુલ્યે ભોજન સુવિધાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. રસ્તાઓ ઉપર પદયાત્રા કરીને ચાલતા પદયાત્રીકો સાથે પણ કલેકટરએ વાતચીત કરી પ્રતિભાવ જાણ્યા હતા.
આ અંગે મીડિયાને માહિતી આપતા કલેકટરએ જણાવ્યું કે, સ્વચ્છતા જાળવવા વિવિધ સેવાકેમ્પોના સંચાલકો અને પદયાત્રા કરીને આવતા સંઘના લોકો સાથે અગાઉ વાતચીત અને ચર્ચા-વિચારણા કરવામાં આવી છે તે પ્રમાણે સૌ સ્વચ્છતા જાળવવા સહયોગ આપશે. આ મહામેળો પ્લાસ્ટીક મુક્ત થીમ પ્રમાણે યોજવા સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ કલેકટરએ ઉમેર્યું હતું. ભાદરવી પૂનમ મેળાના સંદર્ભમાં કલેક્ટરે વિધિવતરીતે શરૂઆત કરાવીને માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ વખતે ગયા વખતની સરખામણીમાં કેટલીક નવી વ્યવસ્થા કરવામાં આવી છે જેના લીધે શ્રદ્ધાળુઓને વધુ સુવિધા મળશે અને સરળતા પડશે.