અમદાવાદ: વીરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે ટ્રેલરચાલકે રામાપીરનો સંઘ લઇ જતા પદયાત્રીઓને અડફેટે લેતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ચારને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના આ ગંભીર બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતના આ બનાવની જાણ પોલીસને થતાં વીરમગામ રૂરલ પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વટવા અને રામોલ વિસ્તારના ભરવાડ સમાજના લોકો રામાપીરનો સંઘ લઇ પાટડી નજીક આવેલા રામાપીર મંદિરે જવા નીકળ્યા હતા.
વહેલી સવારે પદયાત્રીઓ વીરમગામની હાંસલપુર ચોકડીથી માલવણ તરફ જઇ રહ્યા હતા. પદયાત્રીઓ આગળ ચાલતા હતા અને પાછળ તેમના સંઘની છોટા હાથી વાન આવતી હતી. દરમ્યાનમાં પાછળથી પુરપાટ ઝડપે એક ટ્રેલર આવ્યું હતું અને છોટા હાથી વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં છોટા હાથી આગળ જતા પદયાત્રીઓ પર ફરી વળ્યું હતું અને ત્રણ પદયાત્રીઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં જ્યારે ચારથી વધુ પદયાત્રીઓને ઇજા થતાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ સર્જાયો હતો. વીરમગામ રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ ટ્રાફિકને હળવો કરાવી લાશને પીએમ માટે મોકલી આપી હતી. ટ્રેલરચાલક ટ્રેલર મૂકી નાસી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.