અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર આજે શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન કેટલીક બાબતો જાવા મળી હતી. એકબાજુ કોંગ્રેસ પાર્ટીએ સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તની નોટિસ પણ દાખલ કરી હતી પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા આને લઇને ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. નીતિન પટેલે કહ્યું હતું કે, માત્ર બે દિવસનું સત્ર હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ માટે પુરતી વૈધાનિક અને ટેકનિકલ પ્રક્રિયા અનુસરવામાં આવી નથી જેથી આ સત્રમાં બિલ લવાશે નહીં. દરમિયાન આજે પ્રથમ દિવસે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન વાજપેયીને શોકદર્શક ઉલ્લેખ મારફતે અંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ અંજલિ આપી હતી અને શોકદર્શક ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત વિધાનસભામાં આજથી બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર શરૂ થયું હતું. સત્રના પહેલા દિવસે ભાજપ દ્વારા ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. એક તબક્કે ગુજરાત ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણી વાજપેયીને શોકાંજલિ પાઠવી રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલ ગાઢ નિંદ્રામાં પોઢતાં જોવા મળ્યા હતા. શોકાંજલિ સમયની ટીવી તસવીરો અને વીડિયો બહાર આવી છે જેમાં સમગ્ર બનાવ કેદ થયો હતો. શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલને ગાઢ નિંદ્રામાં પોઢેલા જાઇને ભારે ચર્ચા ચાલી હતી અને વિપક્ષ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાની વધુ એક તક મળી ગઇ હતી.
ખુદ ભાજપના વર્તુળમાં પણ આ વાતને લઇ અંદરખાને ટીકા થતી જાવા મળી હતી. વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં સરકારને વિધાનસભાની બહાર અને અંદર બંને રીતે ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ સંમેલન, વિધાનસભા ઘેરાવના કાર્યક્રમ ઉપરાંત ગુજરાત સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તની નોટીસ પણ દાખલ કરી હતી પરંતુ આ સત્રમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નહીં આવે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે. ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઉપરાંત, અમરસિંહ ભૂતપસિંહ, રાજ્ય કક્ષાના મંત્રી હરિલાલ પટેલ, પૂર્વ ધારાસભ્યો શંકરદાસ રામદાસ, ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ અને અરવિંદસિંહ દામસિંહ રાઠોડને શોકાંજલિ આપવામાં આવી હતી. વિધાનસભા સત્રના બીજા દિવસે આવતીકાલે જુદા જુદા મુદ્દા ઉપર જારદાર ચર્ચા જામી શકે છે. ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે વિધાનસભા ગૃહમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસ પાર્ટીએ રણનીતિ તૈયાર કરી છે.