અમદાવાદ: પ્લાસ્ટર ઓફ પેરીસથી બનાવાયેલી ભગવાન શ્રીગણેશની મૂર્તિઓનું સમુદ્ર, નદી કે તળાવમાં વિસર્જન કરવા પર હાઇકોર્ટ દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા રિવરબ્રિજ પર ક્રેનની વ્યવસ્થા કરાશે નહીં. જેને પગલે દાદાની મોટી અને વિશાળ મૂર્તિઓ ક્રેન મારફતે સીધી નદીમાં પધરાવવાની જૂની પ્રથાનો અમલ આ વર્ષે શકય નહી બને. બીજીબાજુ, અમ્યુકો સત્તાધીશો દ્વારા ગણપતિ વિસર્જન માટે ખાસ રીતે તૈયાર કરાયેલા વિશાળ કુંડોમાં જ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવા શ્રધ્ધાળુ ભકતો અને નગરજનોને અનુરોધ કર્યો છે.
અમ્યુકો તંત્ર દ્વારા દુંદાળાદેવ ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન રોકવા માટે શહેરભરમાં બાવીસ સ્થળે કુલ બત્રીસ કુંડ બનાવાયા છે. ગત વર્ષે ગણેશની પ્રતિમાના વિસર્જન માટે કુલ અઢાર કુંડ હતા. જા કે, હજુ પણ કુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવાનું અનેક લોકો ટાળી રહ્યા છે. ગત વર્ષના ગણેશોત્સવ દરમ્યાન કુંડ અને નદીમાં નાની-મોટી સહિત કુલ પચાસ હજારથી વધુ મૂર્તિને વિસર્જિત કરાઇ હતી. આમ તો ગણેશોત્સવના પાંચમા દિવસે સાબરમતી નદીમાં મોટી મૂર્તિનું વિસર્જન કરવા માટે સત્તાવાળાઓ દ્વારા એલિસબ્રિજ, સરદારબ્રિજ, આંબેડકરબ્રિજ અને ઇંદિરાબ્રિજ એમ કુલ ચાર રિવરબ્રિજ પર એક-એક ક્રેનની વ્યવસ્થા કરાય છે. જોકે ગઇ કાલના પાંચમા દિવસે સત્તાધીશોએ એક પણ ક્રેન મૂકી ન હતી.
ગણેશોત્સવના સાતમા દિવસે પણ આ ચારેય રિવરબ્રિજ પર એક-એક એમ કુલ ચાર ક્રેન મુકાતી હતી પરંતુ જાણકાર સૂત્રોના મતે, આવતીકાલે પણ ક્રેન મુકાય તેવી કોઇ શકયતા નથી. ખાસ તો અનંત ચતુર્દશીએ આંબેડકરબ્રિજ પર સાત ક્રેન, સરદારબ્રિજ પર સાત ક્રેન, એલિસબ્રિજ પર સાત ક્રેન અને ઇંદિરાબ્રિજ પર ચાર ક્રેન શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે મુકાતી હોય છે, જોકે ગણેશોત્સવના છેલ્લા દિવસે પણ એક પણ રિવરબ્રિજ પર એક પણ ક્રેન મુકાય તેમ લાગતું નથી. આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે, નદી પર ક્રેનની વ્યવસ્થા ગોઠવવા બાબતે અમે પોલીસતંત્રના આદેશને અનુસરીશું. હજુ સુધી પોલીસ સત્તાવાળાઓ તરફથી અમને કોઇ આદેશ અપાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નદી પર ક્રેનને મ્યુનિસિપલ સેન્ટ્રલ વર્કશોપ વિભાગ ભાડેથી મેળવીને તેનો હવાલો મ્યુનિસિપલ ફાયરબ્રિગેડ વિભાગને સોંપે છે. આ વખતે ક્રેનની વ્યવસ્થા નહી હોવાથી ગણેશભકતો અનએ શ્રધ્ધાળુઓ વિશાળ કુંડોમાં જ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરે તેવી અપીલ પણ અમ્યુકો અને પોલીસતંત્રએ કરી છે.