અમદાવાદ:થોડા સમય પહેલાં જ શહેરમાં ઓઢવ ગરીબ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ શહેરભરના મ્યુનિસિપલ સ્લમ કવાર્ટર્સ, હેલ્થ કવાટર્સ સહિતની આવાસ યોજનાઓ માટે સર્વે હાથ ધર્યો હતો. તંત્રના સર્વેના આધારે ૬૦ જેટલી મ્યુનિસિપલ આવાસ યોજના હોઇ તે પૈકી અનેક સ્થળે જર્જરિત મકાનના પગલે ત્યાંના રહેવાસીઓ પર જાનમાલનું જોખમ સતત ઝળૂંબી રહ્યું છે એટલે નવી કોઇ ઓઢવ જેવી દુર્ઘટનાને ટાળવા માટે સત્તાધીશો દ્વારા રિડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાઇ રહ્યો છે, જેમાં લાભાર્થીને હયાત બાંધકામ કરતાં ૪૦ ટકા મોટું મકાન આપવાના આકર્ષક મુદ્દાનો સમાવેશ કરાયો છે.
જેને પગલે અમ્યુકોની ૬૦ આવાસ યોજના રિડેવલપમેન્ટ કરવાનું અમ્યુકોનું આયોજન છે. આ ઉપરાંત શહેરની ખાનગી સોસાયટીઓને પણ રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ આવરી લેવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયાં છે. તાજેતરમાં ઓઢવની દુર્ઘટનાએ શહેરભરમાં ચકચાર મચાવી હતી. આ ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા તમામ ૮૪ મકાન ભયજનક જાહેર કરાયા હોઇ તેને જમીનદોસ્ત કરી સત્તાધીશોએ ત્યાંના રહેવાસીઓ માટે રિડેવલપમેન્ટ પોલિસી જાહેર કરી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિભિન્ન વિસ્તારમાં સ્લમ કવાર્ટર્સ, હેલ્થ કવાર્ટર્સ સહિતના આવાસ યોજનાનું નિર્માણ કરાયું છે.
આ આવાસ યોજનાના દાયકાઓ જૂના મકાન જર્જરિત થઇ ચૂક્યા હોઇ ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. છેલ્લે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ આવાસ યોજનાના જર્જરિત મકાનોનો મામલો ચર્ચાયો હતો. આ આવાસ યોજનાના રિડેવલપમેન્ટની પોલિસી ચાલુ મહિનાના અંત સુધીમાં તૈયાર થઇને તંત્ર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઇ જશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમ તો બે વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં વર્ષોજૂની આવાસ યોજનાના પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસ માટેની નીતિ જાહેર કરી હતી. હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ઓઢવની દુર્ઘટના બાદ ખાસ કરીને મ્યુનિસિપલ આવાસ યોજનાઓના જર્જરિત મકાનોને તોડી પાડી ત્યાં નવેસરથી રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ પુનઃ નિર્માણ કરવાની બાબતને અગ્રીમતા અપાશે. જે મુજબ જે તે આવાસ યોજનાના રહેવાસીને મૂળ બાંધકામ કરતાં ૪૦ ટકા વધુ બાંધકામ અપાશે.
ઉદાહરણ તરીકે ૧૦૦ વારનું બાંધકામ ધરાવતા રહેવાસીને રિડેવલપમેન્ટ પ્લાન હેઠળ ૧૪૦ વારનું બાંધકામ મળશે. રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ એક વર્ષમાં નવા એક હજાર મકાનનું નિર્માણ કરવાનું આયોજન તંત્રનું છે. દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને આ અંગે પૂછતાં તેઓ કહે છે કે સમગ્ર રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ એ, બી અને સી કેટેગરીમાં નિર્માણ હાથ ધરાશે. એ કેટેગરી મુજબ જે તે આવાસ યોજનાનું પુનઃ નિર્માણ કરાશે. બી કેટેગરીમાં ડેવલપર વધારાના મકાન બનાવશે કે જેમાં મ્યુનિસિપલ તંત્ર અન્ય લાભાર્થીનો સમાવેશ કરી શકે અને સી કેટેગરી હેઠળ ડેવલપરને જે તે આવાસ યોજનાની બાકી રહેલી જમીન ૯૯ વર્ષના ભાડાપટ્ટે અપાશે કે જેમાં ડેવલપર પોતાની ઇચ્છાનુસાર ડેવલપમેન્ટ કરી શકશે. જે તે વિસ્તારના રસ્તાની પહોળાઇ મુજબના જીડીસીઆરના નિયમ હેઠળ જે તે વિસ્તારની આવાસ યોજનાના મકાનની ઊંચાઇ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મિલકતોમાં પણ રિડેવલપમેન્ટ પોલિસીની અમલવારીના ચક્રો ગતિમાન કરાયાં છે, જે હેઠળ વધુ ને વધુ લોકો રિડેવલપમેન્ટ પોલિસી તરફ આકર્ષાય તે રીતના સુધારાઓનો મુસદ્દો ઘડાયો છે. આવતીકાલથી શરૂ થનારા વિધાનસભાના બે દિવસીય સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિધેયક રજૂ કરવામાં આવે તેવી પણ શકયતા છે.