અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે ફરી એક વખત ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે અને વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાકને બચાવવા રાજ્યની ૧ લાખ ૨૭ હજાર એકર જમીનને નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી ૨૦ દિવસ સુધી ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.
નર્મદા બંધમાં મર્યાદીત પાણી હોવા છતા કરકસર ભર્યો ઉપયોગ કરીને આગામી સમયમાં પીવાના પાણીની સંભવીત જરૂરીયાતને ધ્યાને લઇને સિંચાઇ માટે આ પાણી છોડવાનો નિર્ણય લીધો હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ૧૧ પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલ લગભગ ૪૦૦ તળાવો, સુજલામ્ સુફલામ્ નહેર અને ધરોઈ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશઃ નર્મદાનું પાણી અપાશે. જેનાથી ૪૦,૦૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
આ ઉપરાંત ફતેવાડી અને ખારીકટ પિયત વિસ્તારમાં નર્મદાના પાણી આપી ઊભા પાકને બચાવવાનો નિર્ણય કરતાં અમદાવાદ જીલ્લાના દસક્રોઈ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે ૬૨,૦૦૦ એકર વિસ્તારને લાભ મળશે. પટેલે ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના ૧૨૦૦ ક્યુસેક પાણીનું વહન કરીને આજી-૧, મચ્છુ-૨, વડોદ, આકડીયા, ભીમદાદ ગોમા જેવા બંધોમાં ક્રમશઃ નર્મદાનું પાણી પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે ૨૫,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાના પાણીનું સંકટ ટળશે.
તેમણે ઉમેર્યુ કે, નર્મદાનું પાણી મળવાથી આ વિસ્તારોમાં પીવા/ઘરવપરાશના પાણીની સમસ્યા દૂર થશે અને વાવેતર થઈ ચૂકેલ વિવિધ પાકોને આ પાણીથી જીવતદાન મળશે તેમજ પશુધનને પણ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. તેઓએ જણાવ્યુ કે, રાજ્યની પીવાની જરૂરીયાત માટે સમગ્ર જળ વર્ષમાં એટલે કે, જુલાઇથી જુન સુધી અંદાજે ૧.૫ મીલીયન એકર ફુટ પાણીની જરૂરીયાત રહે છે. જે માટે રાજ્ય સરકારે પુરતુ આયોજન કરેલ છે. અને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ પાણીનું લેવલ ૧૨૫.૮૨ મીટર છે અને લગભગ ૧.૮૪ મીલીયન એકર ફુટ પાણી એટલે કે ૩૯ % પાણીનો જીવંતસંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ત્રણ મુખ્ય બંધો બાર્ગી, તવા અને ઈન્દીરા સાગરમાં લગભગ ૧૦.૯૩ મીલીયન એકર ફુટ પાણીનું જીવંતસંગ્રહ છે. જેમાંથી રાજયને ફાળે ચાલુ સાલે ૫.૮૪ મીલીયન એકર ફુટ હિસ્સો મળવાનો અંદાજ છે. જે ગત વર્ષે ૫.૦૬ મીલીયન એકર ફુટ મળેલ હતો. રાજ્યના હિસ્સે આવતાં વાર્ષિક હિસ્સાનું પાણી સમાયાંતરે ઉપરવાસથી છોડાતું રહેશે. નર્મદા કમાન્ડમાં ખરીફ સિંચાઈનો બાકીનો સમયગાળો અને આગામી રવિ સિંચાઈની પાણીની માંગ તથા આગામી ચોમાસા સુધી પીવા/ઘરવપરાશની પાણીની માંગ જોતાં કુલ જથ્થો મર્યાદીત છે, અને કરકસરભર્યા ઉપયોગની જરૂર છે.
બીજી બાજુ વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમદાવાદ જીલ્લામાં ડાંગર, કઠોળ, મગફળી, એરંડા, કપાસ વગેરે પાકો બચાવવા પાણીની તાત્કાલિક જરૂરીયાત ઉભી થતા રાજ્ય સરકારે આ ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે, એમ પણ નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું હતું.