નવીદિલ્હી: ફ્લેક્સી ફેયરના પરિણામ સ્વરુપે ભારે ભરખમ ભાડાનો સામનો કરી રહેલા રેલવે યાત્રીઓને ટુંક સમયમાં જ મોટી રાહત મળી શકે છે. રેલવે બોર્ડે રાહત આપવા માટે કેટલાક વિકલ્પ તૈયાર કરી લીધા છે. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી થોડાક દિવસની અંદર જ રેલવે મંત્રી પિયુષ ગોયેલ આમાથી કોઇ એક વિકલ્પને મંજુરી આપી દેશે. અલબત્ત રેલવે યાત્રીઓને કેટલી મોટી રાહત મળશે તે સંદર્ભમાં પિયુષ ગોયેલ કયા વિકલ્પની પસંદગી કરે છે તે બાબત ઉપર આધારિત રહેશે.
રેલવે બોર્ડના કહેવા મુજબ આશરે એક વર્ષથી ફ્લેક્સી ફેયરના પરિણામ સ્વરુપે રેલવે યાત્રીઓ કેટલીક તકલીફો ઉઠાવી રહ્યા છે. રેલવે દ્વારા આને લઇને કવાયત પણ ચાલી રહી છે. આ સંદર્ભમાં રેલવે બોર્ડ દ્વારા એક કમિટિની રચના પણ કરવામાં આવી હતી. આ કમિટિએ પોતાનો અહેવાલ પણ સોંપી દીધો હતો પરંતુ ત્યારબાદ પણ રેલવેમાં જુદા જુદા સ્તર પર કમિટિની ભલામણો ઉપર વિચારણા કરવામાં આવી હતી.
સુત્રોનું કહેવું છે કે, હવે બોર્ડે આ વિકલ્પો ઉપર વિચારણા કરીને રેલવે મંત્રીને ફાઇલ મોકલી દીધી છે. સુત્રોનું કહેવું છે કે, આવનાર થોડાક દિવસમાં જ રેલવે મંત્રી દ્વારા આ સંદર્ભમાં જાહેરાત કરવામાં આવશે. રાજધાની, શતાબ્દી અને ડુરન્ટો જેવી પ્રિમિયમ ટ્રેનોમાં પૂર્વ રેલવેમંત્રી સુરેશ પ્રભુના શાસનકાળમાં ફ્લેકસી ફેયર સિસ્ટમ લાગૂ કરવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ એક નક્કી કરવામાં આવેલી સમય મર્યાદામાં સીટો બુક થયા બાદ ભાડામાં ૧૦ ટકાનો વધારો થાય છે જે મહત્તમ ૫૦ ટકા સુધી હોય છે. ફ્લેક્સી ફેયર સિસ્ટમ લાગૂ થયા બાદથી રેલવેને આ ટ્રેનોથી થનાર આવકમાં ૬૦૦થી ૭૦૦ કરોડ રૂપિયાનો વાર્ષિક ફાયદો થઇ રહ્યો હતો. રેલવેની સમસ્યા એ છે કે, જા ફ્લેક્સી ફેયરને ખતમ કરવામાં આવશે તો વધારાની આવક ખતમ થશે.