અમદાવાદ: દેખાવો કરતાં સેંકડો કોંગી નેતાઓ અને આગેવાનોની અટકાયત કરાઇ. ભારત બંધ એલાનમાં પોલીસે અત્યાર સુધી પુર્વ વિસ્તારમાં કોંગ્રેસનાં ૧૮૭ કાર્યકરો ઉપરાંત કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી સહિતના કોંગી નેતાઓ અને આગેવાનો સહિત સેંકડો કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. લાલ દરવાજા લક્કી હોટલ પાસેથી આ નેતાઓની પોલીસે અટકાયત કરી તેઓને દેખાવો યોજતા પહેલાં જ ઉઠાવી લીધા હતા. પોલીસે રખિયાલમાં કાર્યકરોની અટકાયત કરી હતી, તે દરમ્યાન એક કાર્યકરની તબિયત બગડતા શારદાબહેન હોસ્પિટલ ખસેડાયો હતો.
કોંગ્રેસ દ્વારા ખાનપુર ભાજપ કાર્યાલય પર તાળાબંધીનો પ્રયાસ કરાતા પોલીસે કોંગી નેતા રાજુ બ્રહ્મભટ્ટ સહિત પાંચ જેટલાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જેને લઇ મામલો ગરમાયો હતો. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ હાય રે ભાજપ, હાય હાય, ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી, નહી ચલેગી, ભાજપ તેરી દાદાગીરી નહી ચલેગી, નહી ચલેગીના જારદાર સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. સાણંદમાં બંધના સમર્થનમાં નીકળેલા કોંગ્રેસના જીલ્લા પ્રમુખ સહિત ૨૫ કાર્યકરોની અટકાયત કરાઇ હતી.
ભારત બંધના એલાનને લઇ ગુજરાત રાજયમાં આજે સલામતીના ભાગરૂપે એસટી નિગમ દ્વારા ૨૦ ટકાથી એસટી બસો બંધ કરાઇ હતી. તો, રાજયમાં કુલ સાત જેટલા એસટી બસ ડેપો અને પંદર જેટલા રૂટ બિલકુલ બંધ રખાયા હતા. એકંદરે ૧૦૦થી વધુ બસોને બંધના એલાનના કારણે અસર પહોંચતા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનો-મુસાફરો ભારે હાલાકીમાં મૂકાયા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. જા કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મોટાભાગનો ટ્રાન્સપોર્ટેશન સેવા અને વ્યવહાર ચાલુ રહ્યા હતા