અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૫મો દિવસ છે. આચાર્ય પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશ આમરણાંત ઉપવાસી હાર્દિક પટેલને મળવા માટે આજે એસજીવીપી હોસ્પિટલ પહોંચ્યા હતા. હાર્દિકને મળીને આચાર્ય પ્રમોદ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. તો, સ્વામી અગ્નિવેશે તેની લડાઈને જુસ્સાથી લડવા માટે પ્રસંશા કરી હતી.
બીજીબાજુ, ડોકટરોની ફરજિયાત સલાહ અને લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવની ભારે સમજાવટ બાદ આખરે હાર્દિક પટેલે જળ ગ્રહણ કર્યું હતું. શરદ યાદવે પોતાના હાથે હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. હાર્દિકે જળ ગ્રહણ કરતાં સમગ્ર પાટીદાર સમાજમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
દરમ્યાન પાસના કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ડોકટરોએ હાર્દિકની પંદર-પંદર દિવસના ઉપવાસ અને છેલ્લા ૪૮ કલાકથી જળ ત્યાગને લીધે કોઇપણ સંજાગોમાં જળ ગ્રહણ કરવું પડે, નહી તો બીજી કોઇ મોટી તકલીફ ઉભી થશે તેવી તાકીદ કર્યા બાદ અને લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે હાર્દિકને સમજાવતા આખરે તેમના હાથે તેણે પાણી પીધું હતું. ગઇકાલે હાર્દિકે પાણી પીવાની શરૂઆત કરી છે. ડોક્ટરની સલાહ પ્રમાણે જમવાની શરૂઆત કરે તેવી પણ શકયતા છે.
દરમ્યાન હાર્દિક પટેલના ઉપવાસનો ગઇકાલે પંદરમો દિવસ હતો ત્યારે સવારથી રાષ્ટ્રીય નેતાઓ લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ, ત્યારબાદ ડીએમકે પાર્ટીના નેતા એ રાજા અને ઈલિયાસ આઝમીએ હાર્દિકની મુલાકાત લઈને તેને સમર્થન આપ્યું હતું. બપોર બાદ એસજીવીપી હોસ્પિટલમાં પહોંચેલા ધર્મગુરૂ આચાર્ચ પ્રમોદ અને સમાજ સુધારક સ્વામી અગ્નિવેશે હાર્દિકને મળીને તેણે ચલાવેલી લડત બદલ તેની સરાહના કરી હતી. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.
અશક્ત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે તે ઉપવાસી છાવણીમાંથી તેના ઉપવાસ આગળ વધારી રહ્યો નથી, પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે. ત્યારે તેને મળવા માટે રાષ્ટ્રીય નેતાઓ અને ધર્મગુરૂ હોસ્પિટલમાં પહોંચી તેની ખબરઅંતર પૂછી રહ્યા છે.