અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતનાં ખાણીપીણી બજારને તોડી પાડવા માટેની મ્યુનિસિપલ તંત્રની નોટિસને પડકારતી પિટિશનને ગઈકાલે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવાઈ છે.જો કે, આ ખાણીપીણી બજારને જમીનદોસ્ત કરવા તંત્ર હજુ અઠવાડિયાની રાહ જોશે. કારણ કે, સ્થાનિક દુકાનદારોને હાઇકોર્ટમાં આપેલી બાંહેધરી મુજબ, સ્વેચ્છાએ ગેરકાયદે દબાણ કે બાંધકામ દૂર નહી કરે તો, અમ્યુકો તંત્ર તે પછી કાર્યવાહી કરશે અને તેથી અમ્યુકો સત્તાધીશો એકાદ સપ્તાહ આ મામલે રાહ જોશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની ટ્રાફિક નિયમન અભિયાનના ભાગરૂપે કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતનાં ખાણીપીણી બજારને તોડી પાડવાની દિશામાં તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે આ ખાણીપીણી બજારના વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા તંત્રના નિર્ણયને યોગ્ય ગણાવીને તે સમયે ખેતલાઆપા ટી સ્ટોલને રૂ. ૨૫ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, સ્થાનિક વેપારીઓએ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે આ ખાણીપીણી બજારને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈને ટ્રાફિક તેમજ પાર્કિગમાં સમસ્યા સર્જાઈ રહી છે.
જોકે સ્થાનિક વેપારીઓએ ખાનગી મિલકતમાં ધંધો કરતા હોવાની વળતી દલીલ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી મિલકતમાં પણ ગેરકાયદે ચાલતાં ધંધો-રોજગાર વિરૂધ્ધ તંત્ર પગલાં લઈ શકે છે તેવી રજૂઆત કરાઈ હતી. ગઈકાલે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવાનો સાફ ઇનકાર કરી આ ખાણીપીણી બજારના વેપારીઓની અરજી ફગાવી હતી. દરમિયાન આ અંગે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર. કે. મહેતાને પૂછતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટમાં ખાણીપીણી બજારના વેપારીઓએ અઠવાડિયામાં જાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની બાંયધરી આપી છે. એટલે તંત્ર અઠવાડિયા સુધી રાહ જોશે. ત્યારબાદ જો કોઈ ગેરકાયદે બાંધકામ બાકી રહ્યા હશે તો તેને તંત્ર તોડી નાખશે અને કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરશે.