રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને મનમોહકતા માણવાનું નવું સરનામુ અમદાવાદીઓને ફ્લાવર શૉ થકી મળ્યું છે તેમ જણાવ્યું છે.
રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહેલા ફ્લાવર શૉ ને ખુલ્લો મુકતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યા બાદ તેની ઉજવણીરૂપે અનેક કાર્યક્રમોનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે અને તે રીતે અમદાવાદમાં ઉત્સવોની હેલી સર્જાઇ છે તેમાં ફ્લાવર શૉ એક આગવું સોપાન છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, શિયાળાનાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરાવતાં વાતાવરણ વચ્ચે અમદાવાદના નગરજનોને ફુલોની સુંદરતાને માણવાનો તથા કુદરતની વધુ નજીક જવાનો અવસર આ ફ્લાવર શૉથી મળ્યો છે.
મુખ્ય મંત્રીશ્રીએ ફ્લાવર શૉના વિવિધ વિભાગોની રૂબરૂ મુલાકાતો લઇ ફુલો વિશેની જાત માહિતી મેળવી હતી. તેમણે ક્રાફ્ટ બજારની મુલાકાત લઇ કારીગરોની કલાકારી વિશે વિશદ વિગતો પણ જાણી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૧૩ના વર્ષથી યોજાઇ રહેલા આ અમદાવાદ ફ્લાવર શૉ ની આ વર્ષની ૬ઠ્ઠી શૃંખલામાં ૧ લાખ ચોરસ મીટર વિશાળ જગ્યામાં ફ્લાવર શૉનું આયોજન મહાનગરપાલિકાએ કર્યુ છે.
ઉપરાંત દેશના અન્ય રાજ્યોની ખ્યાતનામ નર્સરીઓ, જંતુનાશક દવા, બિયારણ, ખાતર અને ગાર્ડનના ઓજારોના વેચાણ માટેના સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. ઓર્કીડ, ઇંગ્લીશ ગુલાબ, કોર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફલાય કલસ્ટર, હરણ, ફલેમીંગો, કળા કરેલો મોર, મીકી માઉસ ઉપરાંત અન્ય પ્રાણીઓ, સેલ્ફી વોલ, ટ્રી, બોલ વગેરે મળી કુલ પ૦ થી વધુ સ્કલ્પચર લાઇવ સ્કલ્પચર, બાળકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ફ્લાવર શૉ થીમ આધારિત લાઇવ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ગ્રીન હાઉસનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન, દેશ તથા શહેરની ખ્યાતનામ ૧૪ નર્સરીઓ દ્વારા વિવિધ જાતોના ફુલ-છોડના પ્રદર્શન અને વેચાણ કેન્દ્રો, ખાતર, બિયારણ, જંતુનાશક દવા, બાગાયતી સાધનો-ઓજારોના ધંધા સાથે સંકળાયેલ કંપનીઓના ૩ર વેચાણ કેન્દ્રો, હેરિટેજ સ્થળોની ઝાંખી કરાવતો સ્ટોલ અને કુલ ૧૪ જેટલા ફુડ સ્ટોલ્સ તથા હસ્તકલા કળા કારીગીરી દ્વારા બનાવવામાં આવેલ હાથ બનાવટની ચીજોના ૧ર૦ સ્ટોલ્સ આ ફ્લાવર શૉ આકર્ષણ કેન્દ્ર બન્યાં છે.
આ અવસરે સાંસદ શ્રી ડૅા. કિરીટભાઇ સોલંકી, ધારાસભ્યો સર્વ શ્રી જગદીશભાઇ પંચાલ, સુરેશભાઇ પટેલ, રાકેશભાઇ શાહ, મેયર શ્રી ગૌતમભાઇ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.