અમદાવાદ: અગ્રણી ડિસ્પોઝેબલ હાઈજિન ઉત્પાદક યુનિચાર્મ ઈન્ડિયા પ્રા. લિ.એ આજે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર સાણંદમાં તેના સૌથી મોટા ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદન એકમ 3,00,000 ચો. મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને તે ભારતમાં યુનિચાર્મના લોકપ્રિય ઉત્પાદનો – મમીપોકો, સોફી અને લિફ્રીની વધી રહેલી માગ પૂરી કરવા સક્ષમ બનશે અને તેનો પુરવઠો પૂરો પાડશે.
ભારતીય બજાર ઉપરાંત મહત્વના 4-5 વૈશ્વિક બજારોમાં ઉત્પાદનોની નિકાસ માટે પણ આ એકમનો ઉપયોગ કરાશે. યુનિચાર્મે તેના ઉત્પાદનોના કાચા માલ માટે ભારતીય સપ્લાયર્સ સાથે કરાર કરી લીધા છે. ભારતમાં સ્વચ્છતા ઉત્પાદનોની કેટેગરીમાં બ્રાન્ડ નંબર-1 બનવા અને તેના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાના કંપનીના પ્રયાસોને અનુરૂપ આ જાહેરાત કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ 2017માં વેચાણ અને નફાકારક્તાની દૃષ્ટિએ યુનિચાર્મ માટે ભારત એક અગ્રણી બજાર તરીકે ઊભરી આવ્યું છે અને નાણાકીય વર્ષ ડિસેમ્બર 2018ના અંત સુધીમાં ભારતમાં વેચાણ +20-25% વધવાની અપેક્ષા સેવાઈ રહી છે. કંપની 800 અબજ યેન (રૂ. 512.73 અબજ*)ના સંયુક્ત ચોખ્ખા વેચાણ માટે, 7%ના ચોખ્ખા વેચાણ સંયોજન વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર), 2020માં કોર ઓપરેટીંગ આવકના 15% અને આરઓઈના 15% માટે લક્ષ્ય ધરાવે છે. કંપની તેના લક્ષ્યાંક હાંસલ કરવા આગળ વધી રહી છે તેમ ભારતમાં તે મજબૂત વિકાસ કરી રહી છે.
આ પ્રસંગે યુનિચાર્મના વૈશ્વિક સીઈઓ ટકાહિસા ટકાહારાએ જણાવ્યું હતું કે, ‘ભારત અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને છેલ્લા 10 વર્ષમાં અમને અહીં જે પ્રેમ મળ્યો છે તે અસાધારણ છે. અમારી નોલા એન્ડ ડોલા ફિલસૂફીના આધારે અમારી ટીમ ગ્રાહકોની જરૂરિયાતને સમજીને ઉત્પાદનો વિકસાવવા સક્ષમ બની છે અને જાપાનીસ ગુણવત્તા અને અનુભવની મદદથી શ્રેષ્ઠ સ્વચ્છતા ઉત્પાદનો લઈ આવી છે. દેશમાં અમારી કામગીરી અને કંપનીના વિસ્તરણના 10 વર્ષ પૂરા થવાનું આ મહત્વપૂર્ણ સિમાચિહ્ન સર કરતાં હું ખૂબ જ રોમાંચ અનુભવું છું.’
યુનિચાર્મ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર કેનજી ટકાકુએ જણાવ્યું હતું કે, ‘આ ઐતિહાસિક કાર્યક્રમના ભાગ બનવાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમદાવાદમાં અમારો પ્લાન્ટ શરૂ કરવા સાથે અમે ભારત પ્રત્યેની અમારી કટીબદ્ધતાઓને નવી ઊંચાઈ લઈ જઈએ છીએ. અમે ભારતીય સમાજના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે પણ સમર્પિત છીએ અને અમારો આશય ભારતમાં ગ્રાહકોને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાનો છે. અમારા ઉત્પાદન એકમના વિસ્તરણથી દેશમાં સ્થાનિક સોર્સિંગ અને રોજગારી સર્જન માટેના દરવાજા પણ ખુલશે. અમારા ભાગીદારો અને ગ્રાહકો અમારા આ અસાધારણ પ્રવાસના એકીકૃત ભાગ છે અને અમે તેમના આ પ્રેમ અને સહયોગ માટે આભારી છીએ.’
યુનિચાર્મ સ્થાનિક સમાજમાં સકારાત્મક અસર લાવવા માટે કટીબદ્ધ છે. સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે કંપની બાળકોની સ્વચ્છતા અને છોકરીઓમાં માસિક સ્રાવની સ્વચ્છતાના મુદ્દે જાગૃતિ લાવવા સમગ્ર ભારતમાં વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો ચલાવે છે. કંપનીએ મુંબઈ, દિલ્હી-એનસીઆર, કાનપુર, વારાણસી, લખનઉ અને કોલકાતામાં 300થી વધુ સ્થળો પર બાળ સ્વચ્છતા અંગે 1,000થી વધુ સત્રો મારફત લોકોના જીવન ખાસ કરીને નવજાતો અને માતાઓના જીવન પર અસર કરી છે. તેણે શ્રેષ્ઠ માસિક સ્વચ્છતા કામગીરી પર સમગ્ર ભારતમાં 1000 શાળાઓમાં 2 લાખ છોકરીઓને શિક્ષિત કરી છે.