અમદાવાદ: શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે થનગનતા અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા એએમટીએસની બસના ઉતારુઓને હાલની પરંપરાગત રીતથી કંઇક અલગ રીતે હવે ભાડાની ટિકિટને ટિકિટ બોક્સમાંથી ફાડીને આપવાના બદલે સ્વાઈપ મશીન જેવા ઈ-ટિકિટિંગ મશીનથી આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. અમ્યુકોના આ નવા પ્રોજેકટના અમલીકરણના ભાગરૂપે હવે આગામી તા. ૧ લીસપ્ટેમ્બરથી તમામ કંડક્ટર ઈટીએમ (ઈ-ટિકિટિંગ મશીન)થી મુસાફરોને ટિકિટ આપશે. તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાધીશોએ સ્માર્ટ સિટી મિશનના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ શહેરને ડિજિટલ બનાવવા માટે આગામી તા. ૧ લી સપ્ટેમ્બરથી બીઆરટીએસ સર્વિસમાં કેશલેસ સિસ્ટમની કરેલી જાહેરાતથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
બીઆરટીએસનાં ઉતારુઓ માટે રોકડેથી ટિકિટ લેવાના બદલે ‘જનમિત્ર કાર્ડ’ ફરજિયાત કરાતાં બસમાં ક્યારેક મુસાફરી કરનારે પણ રૂ.૭૫નું કાર્ડ કઢાવવું પડે તેવી કફોડી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ખુદ શાસક ભાજપ પક્ષમાં જ વિરોધના સૂર ઊઠ્યા હતા અને તા. ૩૦ ઓગસ્ટે આ બાબતની શાસકો સમીક્ષા કરવાના હતા,
જો કે, તેના પહેલાં વહીવટીતંત્રે પાછા પગલાં ભરીને બીઆરટીએસ સર્વિસમાં રોકડેથી ટિકિટ લેવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. દરમ્યાન હવે એએમટીએસમાં તા. ૧ લી સપ્ટેમ્બરથી કંડક્ટર પાસે પરંપરાગત ટિકિટ બોક્સના બદલે સ્વાઈપ મશીન જેવા દેખાતાં ઈ-ટિકિટિંગ મશીન હશે. એએમટીએસના જમાલપુર ખાતેના મુખ્યાલય ટ્રાન્સપોર્ટ હાઉસ ખાતે દૈનિક ૨૦ થી ૨૫ કંડક્ટરને ઈ-ટિકિટિંગ મશીનની તાલીમ અપાઈ રહી છે. ઓનલાઈન અને લેપટોપના માધ્યમથી કંડક્ટર ઈટીએમ મશીનથી માહિતગાર થઈ રહ્યા છે. હાલમાં અનેક બસમાં ઈટીએમ મશીનનો વપરાશ ચાલુ જ છે. બીજી તરફ અમુક કંડક્ટરમાં ઈટીએમ મશીન ફરજિયાત કરાતાં ગણગણાટ ફેલાયો છે.
કંડક્ટરોનું કહેવું છે કે, અમને એએમટીએસ બસમાં પેસેન્જરની વચ્ચે તાલીમ આપવી જોઈએ. આ મશીન ઓપરેટ કરવાં અઘરાં છે એટલે હવે કેટલાક માથાભારે કંડક્ટર તો ઉતારુની ટિકિટ ફાડવાની તસ્દી જ લેતા નથી અથવા તો જ્યાંથી ઉતારુએ બસ પકડી હોય તે બસ સ્ટેન્ડથી ભાડું લેવાના બદલે જ્યાંથી ઉતારુએ ટિકિટ માગી હોય તે બસ સ્ટેન્ડથી ભાડું લઈ રહ્યા હોઈ સંસ્થાને પૂરતું ભાડું મળતું નથી તેવી પણ ફરિયાદો સામે આવી રહી છે.