નવી દિલ્હી: આયુષ્યમાન ભારત સ્કીમને લઇને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ સ્કીમ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે જારદારરીતે લોંચ થવા જઈ રહી છે. મોદી સરકારની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કેન્સરના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે નહીં.
આ સંદર્ભમાં દિશા નિર્દેશ સ્પષ્ટપણે જારી કરવામાં આવી ચુક્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્સરના દર્દીઓને સારવાર માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ કરવાની જરૂર પડશે નહીં. આ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા ઠગાઈ અને છેતરપિંડીને રોકવાના સંદર્ભમાં દિશા નિર્દેશ જારી કરવામાં આવયા હતા.
આયુષ્યમાન ભારતના ડેપ્યુટી ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર દિનેશ અરોરાએ કહ્યું હતું કે, અમે ટ્યુમર બોર્ડ ગાઇડલાઇન અપનાવી છે જેથી કેન્સરના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થયા વગર પાંચ લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકશે જેમાં કિમિયોથેરાપી, દવાઓ અને તપાસના ખર્ચને કવર કરી લેવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, યોજના હેઠળ ઉપલબ્ધ તબીબી સુવિધાઓમાં ૧૩૦૦થી વધારે પ્રોસીજર સામેલ કરવામાં આવશે જેમાં હોસ્પિટલમાં ભરતી થવાથી પહેલા અને બાદની પ્રક્રિયા સામેલ રહેશે. બિમારીની સારવાર અને દવાઓને પણ તેમાં સામેલ કરવામાં આવી રહી છે. લાભાર્થીઓને યોજના હેઠળ આવનાર દેશભરની હોસ્પિટલોમાં સારવાર કરાવવાની તક મળશે.
આરોગ્યમંત્રીએ આ મેગા ઇન્સ્યોરન્સ સ્કીમમાં લોકોને પણ માહિતી આપી દીધી છે. લાભાર્થીઓની નોંધણી કરાવવા અને આયુષ્યમાન ભારત યોજનામાં સામેલ હોસ્પિટલની સેવાઓ માટે પેમેન્ટ કરવાની કોઇ જરૂર રહેશે નહીં. સાથે સાથે તેઓએ બનાવટી વેબસાઇટોને ચેતવણી આપતા કહ્યું છે કે, જો એજન્ટો લાભાર્થીઓ પાસેથી પૈસા લેવાના પ્રયાસ કરશે તો આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. યોજના હેઠળ લાભાર્થી તરીકે વ્યક્તિને ઓળખની સાથે એક કાર્ડ અપાશે જેથી તે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધી આરોગ્ય વિમાનો લાભ લઇ શકશે. આ યોજનાથી ૫૫ કરોડ લોકોને લાભ થશે.