અમદાવાદ: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભારે ખળભળાટ મચાવનારા ગોધરાના જઘન્ય હત્યાકાંડમાં મુખ્ય ટ્રાયલ ચાલી ગયા બાદ પાછળથી પકડાયેલા પાંચ આરોપીઓ વિરૂધ્ધનો ટ્રાયલ ચાલી જતાં આજે સ્પેશ્યલ કોર્ટે બે આરોપી ઇમરાન ઘાંચી ઉર્ફે શેરૂ ભટુક અને ફારૂક ઉર્ફે ભાણાને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જયારે આ કેસના અન્ય ત્રણ આરોપીઓને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડી ૫૯ નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના જઘન્ય હત્યાકાંડ કેસમાં સ્પેશ્યલ કોર્ટે આજે આરોપી ઈમરાન શેરૂ અને ફારૂક ઉર્ફ ભાણો એમ ૨ આરોપીને દોષિત અને અન્ય ૩ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. પાછળથી સાંજે જાહેર કરેલા ચુકાદામાં સીટની સ્પેશ્યલ કોર્ટે દોષિત ઠરાવાયેલા બંને આરોપીઓ ઇમરાન ઘાંચી ઉર્ફે શેરૂ અને ફારૂક ઉર્ફે ભાણાને આજીવન કેદની આકરી સજા ફટકારી હતી, જયારે બાકીના ત્રણ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અન્ય એક આરોપીનું ૨૦૧૭માં કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ થયુ હતું. ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ ગોધરાકાંડના જઘન્ય હત્યાકાંડ સર્જાયા બાદ ગુજરાતભરમાં તેના ઘેરા અને વરવા પ્રત્યાઘાત પડયા હતા. ગોધરાકાંડના મુખ્ય કેસમાં અગાઉ સ્પેશ્યલ કોર્ટે કુલ ૩૧ આરોપીઓને સજા ફટકારી હતી, જેમાંથી ૧૧ આરોપીઓને ફાંસીની સજા ફરમાવી હતી. જયારે અન્ય ૬૩ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. જા કે, ફાંસી પામેલા ૧૧ આરોપીઓએ ફાંસીની સજાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારતાં હાઇકોર્ટે તેમની સજા ઘટાડી આજીવન કેદમાં તબદિલ કરી હતી.
દરમ્યાન ગોધરાકાંડ કેસમાં ઇમરાન શેરૂ, ફારૂક ભાણા સહિતના આ પાંચેય આરોપી વર્ષ ૨૦૦૨થી ફરાર હતા અને ૨૦૧૫-૧૬માં આ પાંચેય આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં ૨૦૧૫માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી. આ સિવાય દાહોદ રેલવે સ્ટેશનથી ધાંતિયા અને ભાણાની ધરપકડ કરવામાં આવી હતી. તો ૨૦૧૬માં મહારાષ્ટ્રના માલેગાંવથી ભુમેડીની ધરપકડ કરાઈ હતી. પાછળથી પકડાયેલા આરોપીઓની ગોધરાકાંડમાં ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ થતાં તેમની વિરૂધ્ધ ટ્રાયલ ચાલી ગયો હતો.
જેમાં સીટ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એમ.પંચાલ અને નરેન્દ્ર પ્રજાપતિએ ૩૭ સાક્ષીઓ અને અગાઉના કેસના ૮૦૦ દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરી-તપાસી આરોપીઓને સખતમાં સખત સજા ફટકારવા દલીલો કરી હતી, જેને ધ્યાનમાં લઇ સ્પેશ્યલ કોર્ટે ઉપરમુજબ મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. ગયા વર્ષે ગુજરાત હાઈકોર્ટે ૧૧ લોકોની સજા ઘટાડીને મૃત્યુદંડથી આજીવન કારાવાસમાં ફેરવી કાઢી હતી. આની સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતના પરિવારને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવા માટે આદેશ કર્યો હતો. આજે એસઆઈટી કોર્ટે આરોપીઓને સજા ફટકારી હતી. ખાસ અધિવક્તા જેએમ પંચાલના કહેવા મુજબ ઝડપાયેલા છ પૈકીના એક કાદીર પટાલિયાનું કાર્ડિયેક એરેસ્ટના લીધે આ વર્ષે ૨૦૧૮માં જાન્યુઆરીમાં મોત થયું હતું ત્યારબાદ પાંચ લોકોની સામે ટ્રાયલ ચાલી હતી. આ તમામ લોકો ગોધરાના નિવાસી છે.