ગમતાનો કરીએ ગુલાલ
” ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે ,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.”
-શ્રી કૈલાસ પંડિત
પ્રિયતમાના રીસાવાના ને તેને મનાવવાના પ્રયત્નો ને શાયરે મસ્ત અંદાજમાં રજુ કરેલ છે. આ જ ગઝલનો બીજો શેર પણ મોજ લાવી દે તેવો છે.
” હજી આવી બેઠાં ને ઉભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.”
આ આખી ય ગઝલ આમ તો માણવા જેવી છે. પોતાનું પ્રિય પાત્ર રીસાય તે તો કવિને ગમે છે ને વળી પાછું તેને મનાવવાની પણ મઝા છે. જીવનમાં ખાટા મીઠા અનુભવો થાય તે પણ ખૂબ જરુરી છે. કવિ પ્રિયાને ઘડી ઘડીમાં રીસાઇ જવા બદલ મીઠી ફરિયાદ કરતા લાગે છે. આમાં કદાચ પ્રિયતમાને પણ તેનો પ્રેમી વારે વારે મનાવે તે ખૂબ ગમતું લાગે છે. બીજા શેરમાં કવિ પાછા પૂછે છે કે હમણાં તો તમે આવ્યા છો ને કેમ તરત જ ઉભા થઇ ગયા ? થોડી વાર તો બેસો. એમનુ કદાચ કહેવું છે કે અમને મન ભરીને નીરખવા તો દો. આનંદની તૃપ્તિ સાથેના ખૂબ સુંદર પ્રશ્નો કવિ પ્રિયાને પૂછે છે. પ્રિયજન રીસાય તે પણ આપણને સૌને ગમતું જ હોય છે અને તેને મનાવવાનો પણ આનંદ આવે છે. જો કે કોઇ આ ક્રિયાઓને ઉંમરની સાથે જોડીને આવું તો ભાઇ જુવાનિયાં ને શોભે તેમ પણ કહે. પરંતુ મારો મત કંઇક જૂદો છે. આને ઉંમર સાથે નહિ જોડતાં લાગણી સાથે જોડીને વિચારીશું તો આપણને દરેકને પણ આવો અનુભવ જીવનમાં ક્યારેક થયાનો અચૂક અહેસાસ થશે અથવા તો એવી અનુભૂતિ મેળવવાની લાલસા જરુર જાગશે જ. બોલો શું કહો છો ?
અનંત પટેલ