અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટાં દિવસ દરમ્યાન સમયાંતરે ચાલુ રહેતાં વાતાવરણ આહ્લાલદક બની ગયું હતું. જો કે, ધોધમાર વરસાદી ઝાપટાઓને લઇ શહેરના નીચાણવાળા વિસ્તારમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. જો કે, વચ્ચે વચ્ચે વરસાદ અટકી જતો હોવાથી આ ભરાયેલા પાણી એટલા જ ઝડપથી ઓસરી પણ ગયા હતા. જેને લઇ સ્થાનિક નાગરિકોએ ભારે રાહત અનુભવી હતી.
સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટા પડવાનું ચાલુ રહેતાં અમદાવાદીઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભુવા, ખાડા પડવાની અને રસ્તાનું ધોવાણ થવાની ફરિયાદો ચાલુ રહેવા પામતાં નગરજનો તંત્રની કામગીરી પરત્વે રોષ ઠાલવતાં નજરે પડતા હતા. અમદાવાદ શહેરમાં ગઇકાલે વહેલી સવારથી જ થોડી થોડી વારના અંતરે વરસેલા હળવાથી ભારે અને ધોધમાર વરસાદના ઝાપટાંને પગલે સ્કૂલોએ કે નોકરી-ધંધા-રોજગાર પર જઇ રહેલા બાળકોથી લઇ નાગરિકોએ હાલાકીનો ભોગ બનવું પડયું હતું. રેઇનકોટ વિના નીકળેલા કેટલાક નાગરિકો અને યંગસ્ટર્સ ધોધમાર વરસાદમાં અટવાતાં કોઇ ઘટાદાર વૃક્ષ કે દુકાનની છત નીચે થોડીવાર માટે આશરો લેતા નજરે પડતા હતા.
અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા પણ રાત્રે છૂટાછવાયા હળવા ઝાપટાં પડયા હતા, પરંતુ ગઇકાલે વહેલી સવારથી પડેલા ઝાપટાની તીવ્રતા ગઇકાલની સરખામણીએ વધુ હતી. ગઇકાલે વહેલી સવારથી શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ બોપલ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે, વરસાદના છાંટા વાગે તેવા હતા. જો કે, થોડીવાર રહીને આ તોફાની વરસાદ અટકી જતો હતો, તેના કારણે ધોધમાર વરસાદ વરસ્યો એટલી ઘડી નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાયા હતા, પરંતુ જેવા ભારે વરસાદી ઝાપટા થોડી વાર માટે વિરામ લેતાં કે તરત જ ભરાયેલા વરસાદી પાણી ઓસરી જતા હતા. શહેરમાં આજે એકંદરે હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો તો, કયાંક ધોધમાર અને તોફાની વરસાદના છૂટાછવાયા ઝાપટાં પણ નોંધાયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, નારોલ, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ, સીટીએમ, ઓઢવ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે સામાન્ય પાણી ભરાયા હતા. પરંતુ વરસાદનું જાર ઓછું હોવાથી શહેરમાં કયાંય બહુ પાણી ભરાયાની સમસ્યા જોવા મળી ન હતી.
અલબત્ત, વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ માર્ગો પણ થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ જાવા મળ્યા હતા. જો કે, ચોમાસાના માહોલને લઇ નાગરિકો વરસાદી મોજ માણતાં પણ નજરે પડતાં હતા.