અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલના તા.૨૫ ઓગસ્ટના આમરણાંત ઉપવાસને અટકાવવા માટે ગુજરાત સરકાર, પોલીસ તંત્ર અને રાજય વહીવટી તંત્રએ જાણે મરણિયા પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કોઇ સ્થળે ઉપવાસ કરવાની મંજૂરી નહી આપીને હાર્દિકના અરમાનો પર સરકારે તંત્રની સાથે મળી પાણી ફેરવી કાઢયું તો, આટલુ ઓછુ હોય તેમ અમદાવાદમાં બે મહિના માટે કલમ-૧૪૪ લાગુ કરી ચારથી વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
હાર્દિક હવે તેના ઘરમાં પૂરાઇ રહ્યો છે, તેના ઘરેથી જ ઉપવાસ આંદોલન છેડવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે હાર્દિક પટેલને જાણે ઘરમાં જ નજરકેદ કરાયો હોય તેમ સરકાર અને તંત્રના માણસો છૂપી રીતે પણ તેના ઘરની આસપાસ અને હાર્દિકની એકેએક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.
હાર્દિકે ગઇકાલે શહેરમાં સ્વ.અટલજીની કળશયાત્રાને લઇ સવાલો ઉઠાવતાં પ્રહાર કર્યા કે, જો શહેરમાં કલમ-૧૪૪ લાગુ હતી તો, ભાજપે કેવી રીતે યાત્રા કાઢી અને આમ કરી ભાજપે કાયદાના ધજાગરા ઉડાડયા છે. દરમ્યાન સરકારના આ ગંભીર ષડયંત્ર અંગે હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મને રસ્તે રઝળતો કરવા હાલના ઘરમાંથી કાઢી મુકવા માટે મકાન માલિક પર દબાણ કરવામાં આવે છે.
આ અંગે હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, મારા ઘરને ચારેબાજુથી પોલીસે ઘેરી લીધું છે અને મને નજરકેદ કર્યો હોય એવી સ્થિતિમાં મુકી દીધો છે, પરંતુ તા.૨૫ ઓગસ્ટના રોજ ઉપવાસ તો થશે. તા.૨૫ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા હાર્દિકના આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા દબાણ અંગે હાર્દિકે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલ હું જે મકાન (વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલું ‘છત્રપતિ નિવાસ’)માં રહું છું, તે મકાનના માલિક પર સરકાર અને પોલીસ દબાણ કરીને મને ઘર ખાલી કરાવવા માટે કહેવામાં આવે છે. ગઈકાલે જ મકાન માલિકે મને આવીને કહ્યું હતું કે, તમારો ભાડા કરાર હજુ ચાલુ છે, તેથી હું તમને ઘર ખાલી કરાવવાનું કહી શકું નહીં, પરંતુ મારા પર દબાણ હોવાથી હું તમને કહેવા આવ્યો છું કે બે મહિના બાદ તમારે મકાન ખાલી કરવું પડશે. પરંતુ જો મારા પર વધુ દબાણ આવશે તો હું તમને તાત્કાલિક મકાન ખાલી કરવા માટે કહીશ.
હાર્દિકે જણાવ્યું કે, મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે મારા ઘરની ચારે તરફ પોલીસ ખડકી દેવામાં આવી છે. મારા ઘરમાં આવતા જતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને અમારા ઘરમાં થતી ગતિવિધિઓ પર આડકતરી રીતે નજર રાખવામાં આવે છે.
આમ ઉપવાસ પહેલા હાર્દિકને સરકાર અને તંત્રના અધિકારીઓએ નજરકેદની સ્થિતિમાં મુકી દીધો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે, પરંતુ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે મક્કમ બનીને લડવા માટે તૈયાર થયેલા હાર્દિક પટેલ તા.૨૫મીએ કોઈપણ ભોગે આમરણાંત ઉપવાસ કરશે. આમ હાર્દિક પટેલના ઉપવાસ અને સરકાર દ્વારા તેના ઉપવાસ અટકાવવાની ગતિવિધિઓ પર માત્ર પાટીદાર સમાજ નહીં, સમગ્ર ગુજરાતની નજર છે ત્યારે ૨૫મી ઓગસ્ટે શું થશે તેને લઈને હવે ઇન્તેજારી અને ઉત્સુકતાની લાગણી પ્રવર્તી રહી છે.