મુંબઈ: શેરબજારમાં જોરદાર તેજીનો ગાળો હાલના સમયમાં નોંધાયો છે. ૧૬ મહિનાના ગાળામાં જ સેંસેક્સમાં ૮૦૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ગયો છે, જેમાં એચયુએલ, આરઆઈએલ અને ટીસીએસના શેરમાં સૌથી વધુ નફો થયો છે. વધતી જતી ક્રૂડ ઓઇલની કિંમતો, ટ્રેડવોરને લઇને દહેશત જેવા પરિબળો પણ આના માટે જવાબદાર રહ્યા છે.
સોમવારના દિવસે સેંસેક્સ ૩૮૪૦૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આ સપાટી રહી હતી. ૨૬મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે સેંસેક્સ પ્રથમ વખત ૩૦૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો ત્યારબાદ આ સિદ્ધિ ઉપર પહોંચવામાં ૧૬ મહિનાનો સમય લાગ્યો છે. શેરબજારમાં હજુ પણ ઉથલપાથલની સ્થિતિ વચ્ચે તેજી જોવા મળી રહી છે. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ૮૦૦૦ પોઇન્ટના ઉછાળામાં હિન્દુસ્તાન લીવરમાં સૌથી વધુ ૮૯ ટકાનો ઉછાળો થયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ટીસીએસ, ઇન્ફોસીસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક, તાતા સ્ટીલમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે. આ તમામમાં ૨૭ ટકાથી લઇને ૭૪ ટકા સુધીનો વધારો નોંધાયો છે. તાતા મોટર્સ, પાવર ગ્રીડ, વેદાંતા, બજાજ ઓટો, સનફાર્મામાં ૨.૫ ટકાથી ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. સેંસેક્સમાં ૨૦૧૯ જૂન સુધી ઉલ્લેખનીય તેજી રહી શકે છે. કેટલાક લોકો એમ પણ માની રહ્યા છે કે, આ સપાટી ૪૪૦૦૦ સુધી પહોંચી શકે છે. તેલ કિંમતો, લોકલ ફંડ પ્રવાહ અને સામાન્ય ચૂંટણીના પરિણામો ૨૦૧૯માં ખુબ મહત્વપૂર્ણ રહેશે. આ ત્રણ સૌથી મહત્વના પરિબળ બજારની દિશા નક્કી કરશે. રૂપિયાને લઇને વધારે મહત્વ દેખાઈ રહ્યું નથી.