કોચીઃ કેરળમાં પુરના પાણી હવે ઉતરી રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં મૃતદેહ પુરગ્રસ્ત વિસ્તારોમાં હાથ લાગી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો લાપત્તા થયેલા છે. વિનાશકારી પુરની ભયાનક તસ્વીર હવે ઉભરી રહી છે. સતત મોતનો આંકડો વધી રહ્યો છે. ૮મી ઓગસ્ટ બાદથી આંકડો વધીને ૨૧૮ સુધી પહોંચી ચુક્યો છે. રોગચાળાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. લેપ્ટોસ્પાઇરોસીસના કેસમાં જોરદાર વધારો થઇ શકે છે. ઇન્ફેક્શનના કેસો પણ વધી શકે છે. ઘણા વિસ્તારમાં હજુપણ ૧૦થી ૧૫ ફુટ પાણી ભરાયેલા છે.
જુદા જુદા વિસ્તારોમાં બચાવ કામગીરી સતત ચાલી રહી છે. સૌથી અસરગ્રસ્ત અને ખરાબ રીતે અસર પામેલામાં થ્રિસુર અને ચેંગન્નુરનો સમાવેશ થાય છે. કેરળમાં અભૂતપૂર્વ સ્થિતિ ઉભી થઇ છે. રોગચાળાને રોકવા માટેનો પણ મોટો પડકાર ઉભો થયો છે. કેરળમાં હજારોની સંખ્યામાં રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. સાથે સાથે મેડિકલ કેમ્પમાં દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈથી રાહત સામગ્રી સાથે ટુકડીઓ પહોંચી રહી છે. ૮૦૦ ટન પીવાનુ પાણી અને ૧૮ ટન દવાઓ સહિતની સામગ્રી પહોંચી ચુકી છે. રાહત કેમ્પોમાં સંખ્યા ખુબ મોટી હોવાથી તેમને રોગચાળાથી બચાવવા માટે પણ મોટી સમસ્યા ઉભી થયેલી છે.
નુકસાનનો આંકડો પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. બેક્ટેરિયા સાથે સંબંધિત રોગ માનવી અને પ્રાણીઓ બંનેમાં ફેલાઈ શકે છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે, પુરગ્રસ્ત વિસ્તારોમાંથી કાટમાળને દૂર કરવા અને આરોગ્યની ખાતરી કરવાની બાબત ખુબ જ ચિંતાજનક બનેલી છે.